પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬ : પત્રલાલસા
 

લાગ્યું. છોકરી આંખે દેખતી ન હતી. તેનું મુખ છોકરી જેવું કુમળું હતું તથાપિ તે છોકરી નહોતી, તે યુવતી હતી. પરંતુ તેનો શુષ્ક થઈ ગયેલો દેહ તેને બહુ નાનું સ્વરૂપ આપી રહ્યો હતો.

'આ છોકરી ગાતી હતી ?' સનાતનના હૃદયમાં પ્રશ્ન થયો. મંજરીને જોવાની લાલસા આ દ્રશ્યમાં પરિણામ પામશે એમ તેણે સ્વપ્ને ધાર્યું નહોતું. નિરાશા ને અનુકંપા એ બંને ભાવો વચ્ચે તેનું હૃદય ઝોલાં ખાતું હતું. એના અને ચિતરંજનના મુખ ઉપર પણ અતિશય કરુણા છવાઈ ગઈ. યુવતી હસતી હસતી સ્પર્શથી પોતાનો માર્ગ કરતી આગળ આવી.

'બુલબુલ ! ત્યાં જ બેસી જા, બેટા !' ચિતરંજને કહ્યું. 'આપણે ત્યાં મહેમાન આવ્યા છે; તારું ગીત સાંભળવા માગે છે.'

બુલબુલના અંધ નયનો નિરાધારપણાનાં ઊંડાં ગર્ત હોય એમ ભાસ થતો હતો. જગતમાં સહુનો ઉપકાર માનવા માટે જ અંધ અવસ્થા સર્જાઈ હોય એમ તેનું મુખ વીલું પડી ગયું. ઉપકારની લાગણી કેમ વ્યક્ત કરવી તે સમજાતું ન હોવાથી થતી ગૂંચવણ મુખ ઉપર સ્પષ્ટ જણાઈ આવી. સર્વની નજર પોતાના ઉપર જ હતી એમ તેના હૃદયમાં સમજાયું. અને સ્ત્રી જાતિનો આવી સ્થિતિમાં સ્વાભાવિક ઉત્પન્ન થતો સંકોચ તે અનુભવવા લાગી. પરંતુ તે કોઈને દેખી શકતી નહોતી. પોતે આ જિંદગીમાં દર્શનસૃષ્ટિના ભંડાર કદી ખોલી શકવાની નહોતી એમ તે જાણતી હતી, અને તે ભાવમાંથી ઉત્પન્ન થતી દીનતા પાછી તેના મુખ ઉપર સામ્રાજ્ય ભોગવી રહી.

છતાં તેનું મુખ હસતું જ રહ્યું હતું.

મેનાએ એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. સનાતન મંજરીને ભૂલી ગયો. કરુણાનો પારાવાર ઉલટાવવા માટે અંધાવસ્થા બસ છે. તે કરુણાના સાગરમાં ડૂબકાં ખાવા લાગ્યો.

'આ છોકરીને હું બુલબુલ કહું છું. એનામાં નથી રૂપ, નથી રંગ, એની આંખ ગયા પછી એની આખી દુનિયા મરી ગઈ છે. ફક્ત એ એના કંઠમાં જીવે છે. એનું ગાન સાંભળ્યા પછી આપણી પણ આખી દુનિયા મરી જાય તો હરકત નહિ.'

ચિતરંજને બુલબુલને ઓળખાવી, અલબત્ત, તે રૂપાળી તો નહોતી જ, પરંતુ તેના મુખ સામું જોવું ન ગમે એવું તેનું સ્વરૂપ ન હતું. સનાતન કશું બોલી શક્યો નહિ. જરા રહીને તેની કરુણાએ જિજ્ઞાસાને થોડું સ્થાન આપ્યું. તેણે ધીમે રહી ચિતરંજનને પૂછ્યું :