પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
બુલબુલનો ભૂતકાળ

આશાભર્યા ઊછરતાં પ્રિય બાલ બાલા !,
સંસાર મધ્ય વડવાનળ કેરી જ્વાલા.
નાનાલાલ

સવારથી બિલાવલની છાયા જામી ગઈ હતી. બુલબુલના મનમાં હજી તેની તે જ ધૂન હતી. પ્રભાતને અનુકૂળ બિલાવલના સૂર તેના કંઠમાંથી નીકળ્યા અને તેણે એક સુંદર ચીજ ઉપાડી.

યહી બીધના તોપેં અંચરા પસાર માગું,
જનમોજનમ દીજો યહી બ્રિજ બસસો :-યહી.
દધી કો જો દન લેત, બ્રિજકી કુંજનમેં,
ટેર ટેર પિયારેસે હેર હેર હસસો :-યહી.

ગાન પૂરું થયું પરંતુ તેના ભણકારા વાગવા ચાલુ જ હતા. સનાતન પણ આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયો. તેણે ક્વચિત્ ગાયું હશે, પણ તે શાકુંતલ કે મેઘદૂતની છંદરચના બહાર કદી ગયો નહોતો. કંઠમાંથી કેટલું માધુર્ય ઉત્પન્ન કરી શકાય છે તેનો તેને પૂરો ખ્યાલ નહોતો. ગાનાર વગાડનાર ઉપર તેને એક જાતનો તિરસ્કાર આવતો. કામધંધો ન હોય, ભણવાગણવાની મહેનત કરવી ગમતી ન હોય, એવા માણસો ગાવાનું સહેલું કામ ઝટ હાથ કરી લે એમ તેને લાગતું હતું. સંગીતમાં હૃદયને ડોલાવવાની શક્તિ છે તેની તેને આજે ફરીથી ખાતરી થઈ.

ચિતરંજન તો ગાનમાં લીન જ થઈ ગયો હતો. નશામાં આવેલા માણસને આજુબાજુનું ભાન રહેતું નથી: સંગીત પણ એક પ્રકારનો નશો ઉત્પન્ન કરે છે. માધુર્યથી છલકાતા જામ ચારે પાસ ઊછળતા હોય, ઉપરાઉપરી પ્યાલા પીવા છતાં તૃપ્તિ થતી ન હોય, રખેને મીઠાશનું એક પણ બિંદુ વગર પીધે ઢળી તો નહિ જાય એની કાળજી રખાતી હોય – આવી નશાબાજી સંગીતના દર્દીઓ અનુભવે છે. ન સમજદારને તેઓ ઘેલા લાગે છે, પણ દર્દીઓને પારકાના અભિપ્રાયની ભાગ્યે જ દરકાર હોય છે.

ગાન પૂરું થતાં ચિતરંજન બૂમ પાડી ઊઠ્યો : 'વાહ, વાહ ! બુલબલ !