પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુલબુલનો ભુતકાળ: ૫૯
 

સંગીત ઉપર તો રાજ્યો કુરબાન થતાં એમાં નવાઈ નથી.'

સનાતને વખાણમાં ઉમેરો કર્યો : 'આપણી કુરબાની ગાયનની અસર નીચે ઘણી જ વધી જાય.'

‘વધી જાય એમ નહિ; કુરબાનીની મર્યાદા જ સંગીત તોડી નાખે છે.' ચિતરંજને સુધારો કર્યો. 'સંગીતના લયમાં તમે પગ ઉપાડો અને રણભૂમિમાં જરૂર હસતે મુખે મરી શકશે. મંદિરમાં જાઓ અને સૂરદાસનું એક પદ સાંભળો; તમે પ્રભુના ચરણમાં જરૂર તે વખતે મસ્તક મૂકી દેશો. હું જો ડૉક્ટર હોઉં તો દુનિયાના સર્વ દર્દીઓ માટે ગાયન સિવાય બીજી દવા જ ન આપું. હું જો રાજા હોઉં તો સર્વ ગુનેગારો માટે એક જ ઈલાજ અજમાવું? તેમને સંગીતની અસર નીચે છૂટા મૂકી દઉં.'

સનાતન આટલી હદ સુધી જવા તૈયાર નહોતો, છતાં તેને વિરુદ્ધ કહેવાપણું હતું નહિ !

મેના અને ચિતરંજને થોડી વારે ત્યાંથી ઊઠી ગયાં. સનાતનને વાગેલા ઘાની આજ સહજ પીડા લાગવા માંડી હતી. તેનાથી એકાદ માસ સુધી અહીંથી જવાય એમ નહોતું. તેના મિત્રને આ સંબંધમાં ખબર પહોંચાડવાનું ચિતરંજને માથે લીધું હતું. જતે જતે ચિતરંજને બુલબુલને સૂચના કરી કે સનાતનની ઇચ્છા હોય ત્યાં સુધી તેણે તેને ગાન સંભળાવવું.

બુલબુલે બે-ત્રણ ચીજો સંભળાવી. સનાતન ઘણો જ ખુશી થયો. છેવટે તેણે બુલબુલને પૂછ્યું : 'મને ગાયન ન શીખવો?’

અંધ યુવતી સહજ હસી : 'બહુ મહેનતનું કામ છે, પણ મને તો સારું લાગશે, ને મારો દિવસ જશે.'

'હું અહીં એકાદ માસ તો રહેવાનો છું. તેટલા વખતમાં શિખાશે તે શીખીશ.' સનાતને કહ્યું. ‘તમે તો અહીં જ રહેશો ને ?'

પ્રશ્ન સાંભળી બુલબુલનું મોં પડી ગયું.

‘હું તો અહીં જ રહીશ. બીજે ક્યાં આશરો મળે એમ છે?' તેના મુખ અને ઉચ્ચારમાં ઊંડા દુઃખનો રણકાર સંભળાયો.

'એમ કેમ ?' સનાતને પૂછ્યું.

'મારે મા નથી, બાપ નથી, સગું નથી, વહાલું નથી. મારી આંખો હતી ત્યાં સુધી સૌ કોઈ વહાલું હતું. આંખો ગઈ એટલે સર્વને અળખામણી થઈ પડી. નિરાધારને આ સ્થળ સિવાય ક્યાં આશ્રય મળે ?' દુઃખી હૃદયે બુલબુલે જણાવ્યું.

સનાતનને અતિશય દયા આવી. તેની હકીકત વધારે જાણવા તેનું