પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦ : પત્રલાલસા
 

મન થયું, પરંતુ તેમ કરી તેના દિલમાં વધારે દુઃખ ભેળવવું એ વાસ્તવિક થશે નહિ એમ તેને લાગ્યું. કાંઈ સૂજ ન પડવાથી આશ્વાસન આપવા પૂરતું તે બોલ્યો :

'ઈશ્વર સહુનો બેલી છે.'

પરંતુ બુલબુલને તેથી આશ્વાસન મળ્યું એમ લાગ્યું નહિ. તેનું મન સહજ ઉશ્કેરાયું. તેણે જવાબ આપ્યો :

'મારો બેલી તો ઈશ્વર પણ નથી. બધા કહે છે કે પ્રભુ સહુને ભૂખ્યાં ઉઠાડે છે, પરંતુ ભૂખ્યાં સુવાડતો નથી. આમ કહેનારાઓ ભૂલી જાય છે કે દિવસોના દિવસ ભૂખ્યાં સૂઈને એકાદ સવારે માણસો ઊઠવા પણ પામતાં નથી. ઈશ્વર તે વખતે ક્યાં નાસી જાય છે તે જણાતું નથી.'

સનાતનનું હૃદય કંપી ઊઠ્યું. ખરે, જગતમાં અસહ્ય દુઃખો વેરેલાં છે, અને તેનું પ્રમાણ એટલું બધું બહોળું છે કે દુનિયા ઈશ્વરને કેમ માને છે એ સમજવું મુશ્કેલ થઈ પડે છે.

બુલબુલ આગળ બોલી :

‘મારી આંખો ગઈ, અને જગતે મને હડસેલી મૂકી. ચિતરંજન મારી વહારે આવ્યા ન હોત તો હું આજ તમારી પાસે આમ ગાવાને જીવતી રહી ન હોત.'

સનાતનને ઈશ્વરની વિરુદ્ધ બહુ વિચાર કરવા ગમ્યા નહોતા; પરંતુ બુલબુલના વાક્યે તેની મરજી વિરુદ્ધ તેને નાસ્તિક બનાવી દીધો હતો. તેનું આસ્તિક હૃદય ઈશ્વરનો બચાવ કરવા બહાનાં ખોળતું હતું તે બહાનું તેને બુલબુલના વાક્યમાં જ મળી ગયું.

'મારે, તો ઈશ્વરનો ઉપકાર જ માનવાનો છે કે તમને જીવતાં રાખ્યાં અને આજે તમારું ઈશ્વરી ગાન સાંભળ્યું. તમે ભલે તેને નિંદો ! તમારે કારણ છે.'

‘શું કરું, ભાઈ !' બુલબુલે કહ્યું. “મારાં જ પાપનો વિચાર હું કરતી નથી અને ઈશ્વરને દોષ આપું છું. હું આંધળી થઈ તે પણ મારાં જ પાપે. મારે જાણવું જોઈતું હતું કે જીવનમાં અનાચારની એક ક્ષણમાં પણ ભવોભવ ચાલે એટલાં પરિણામોનાં બીજ રોપાય છે. મારી આંખો ન જાય તો બીજું શું થાય ?'

નિરાધાર અને અપંગ માણસો સહાનુભૂતિ માગે છે. તેમનું દુઃખ સાંભળવાની જગતના મોટા ભાગને દરકાર હોતી નથી, છતાં કોઈ વિરલ વ્યક્તિ સહજ દયાભાવ બતાવી તેમનાં વીતકો સાંભળે તો તેમના દુ:ખની