પૃષ્ઠ:Patra Lalsa.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨ : પત્ર લાલસા
 

વિચાર આવ્યો. અને જોતજોતામાં તેની આંખો ગઈ જ. તેનું રુદન અને પશ્ચાત્તાપ તેને કાંઈ જ કામ લાગ્યાં નહિ. તે કોને કામ લાગે છે ?

આંખ જતાં જ ગૃહસ્થ યુવકે તેને આપેલું ઘર પાછું છીનવી લીધું. બુલબુલને રોગ થવામાં અને તેને પરિણામે તેની આંખો ખોવડાવવામાં આ યુવક કેટલો કારણરૂપ હતો તે ડૉક્ટર જ કહી શકે. પરંતુ મનુષ્ય ખોટાં પરિણામો માટે પોતાની જવાબદારી લેવા ભાગ્યે જ તૈયાર થાય છે. અને તેમાંયે જ એ ખોટાં પરિણામો અન્યની જાત ઉપર સ્ફુટ થતાં હોય તો તે ઘણી જ ખુશીથી અને બહુ જ સગવડ સાથે પોતાની જવાબદારીને ધકેલી દે છે. બુલબુલ તો ગણિકા હતી. તે અંધ થઈ. ભોગ એના ! એમાં કોઈ શું કરે ? જરા પણ સંકોચ વગર આ યુવકે આંખ વિનાની થયેલી બુલબુલને ઘરમાંથી કાઢી મૂકી.

તે ક્યાં જાય? તેને કોણ સંઘરે ? તેનો કોણ ખપ કરે ? ગૃહસ્થ કુટુંબની કન્યા, અને લક્ષાધિપતિ મોજીલાઓને ગાંડા બનાવી દેનારી લલના - તેને આજે ઉપર આભ અને નીચે ધરતી હતાં. અને તે પણ ક્યાં હતાં ? તેની આંખોથી આભ અને ધરતી સુધ્ધાં છુપાઈ ગયાં હતાં ! તેનું હૃદય શૂન્ય થઈ ગયું, અંધકારમય જીવનમાં તે ઘેલછાની ટેકરીઓએ અથડાવા લાગી. ચાર દિવસ સુધી તે ભૂખી રહી. પોતાનો દેહ વેચનારને પણ ભીખ માંગતાં ન આવડ્યું - અગર પાપમાં પણ સચવાઈ રહેલી સ્વમાનની ચિનગારીએ તેને ભીખ માગીને પેટ ભરતાં રોકી.

હવે ખરેખર તેને મરવું ગમ્યું. કોને માટે - શાને માટે જીવવું ? અને જિવાડે કોણ ? આંખ હોત તો મજૂરી પણ કરત. રસ્તે જતા કોઈ માણસનો ભાસ થતાં તેણે દયાજનક એક ભીખ માગી :

'ભાઈ ! મારું એક કામ કરશો ? બહુ પુણ્ય થશે.'

‘પુણ્ય થશે કે નહિ તેની મને દરકાર નથી; પણ તારે શું કામ છે? તું આંખે નથી દેખતી, ખરું ?' પેલા રસ્તે જનારે પૂછ્યું.

ચાર દિવસમાં આવો સરળ ઉત્તર તેને પહેલો જ પુછાયો હતો.

બુલબુલને આશા પડી.

‘મને દરિયે લઈ જશો ?'

'દરિયો તો પાસે જ છે. ત્યાં તારે કેમ જવું છે ?' પેલા પુરુષે પૂછ્યું.

'મારે નાવું છે. મારે એક વ્રત છે.' બુલબુલે જવાબ દીધો.

‘ભૂખી લાગે છે. ચાલવાની તો શક્તિ નથી ને નાવા શી રીતે જઈશ? કશું ખાવું છે ?' પેલા પુરુષે પૂછ્યું.