પૃષ્ઠ:Patra Lalsa.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮: પત્રલાલસા
 

ચિતરંજનને દુનિયાની પરવા ન હતી. તે કેવો દેખાય છે, તે સામા માણસ ઉપર કેવી અસર કરે છે, તેનો વિચાર કરવા તે કદી અટકતો નહિ. સનાતનના વિદ્વાન મિત્રને તેણે એક વખત પાપ સંબંધી વાર્તાલાપમાં ઘણો જ ચમકાવ્યો :

'હું તો પાપને માનતો જ નથી. પાપ જેવી વસ્તુ જ દુનિયામાં નથી, તમારા જ નીતિવેત્તાઓની બીકણ કલ્પના સિવાય પાપને રહેવા માટે બીજું સ્થાન જ નથી.' ચિતરંજને કહ્યું.

'છેક એમ તો કેમ કહેવાય ?' પેલા મિત્રે જવાબ આપ્યો. 'કોઈ પણ ખોટું કામ કરવું એ પાપ જ છે.'

‘કબૂલ કરું છું. અને તમારાથી જરા આગળ વધું છું.' ચિતરંજને જણાવ્યું. ‘ખોટું કામ કરવું એમાં કશું જ પાપ નથી, પરંતુ ખોટું કામ કરી તેને છુપાવવું એનું નામ પાપ. નહિ તો ખોટું કામ કોને કહેવું અને કોને નહિ એ પણ એક ન સમજાય એવો પ્રદેશ છે.'

'ખોટું કામ ન સમજાય એવું હોત તો તમારાં રાજ્યો કાયદા કરી ખોટાં કામને અટકાવત નહિ.' મિત્રે જણાવ્યું.

'રાજ્યોના પાયા લોહીથી પુરાયેલા છે, અને કપટના ચણતરથી રાજ્યોનાં બંધારણ રચાયેલાં છે. એ રાજ્યો પુણ્યને શું સમજે ? પુણ્યના પાયા ઉપર રચાયેલાં રાજ્યો તો હજી સ્વપ્નામાં જ દેખાય છે. માટે ખોટા ભ્રમમાં ન પડશો અને કાયદાની વાત જ ન કરશો. વકીલોની શબ્દજાળ, ન્યાયાધીશની ભ્રમજાળ અને ન્યાય ખોળનારાઓની દુઃખજાળ એનું જ નામ કાયદો.' ચિતરંજને જણાવ્યું.

પેલા મિત્રને લાગ્યું કે આ ગાંડા માણસને સમજાવવો એ અશક્ય વાત છે. તિરસ્કારથી તેણે પાપપુણ્યની ચર્ચા છોડી દીધી. સનાતન હસ્યો. ચિતરંજનને તે બરાબર ઓળખી ગયો હતો. આ હાસ્યથી પેલા મિત્રને લાગ્યું કે સનાતન આ દુષ્ટ વૃદ્ધ માણસની પૂરી અસર નીચે આવી ગયો છે. સનાતનના આત્મા માટે એક પ્રાર્થના કરી મિત્રે રજા લીધી, અને કોઈને ન કહેવાની શરતે પોતાના બીજા એક મિત્રને વાત કરી કે સનાતન ન બોલાય એવે સ્થાને રખડે છે, લફંગાઓની સોબતમાં ફરે છે, મારામારીમાં ઊતરી લોહીલુહાણ થાય છે અને બીજાને કરે છે.

બીજા મિત્રે શોકભરી મુખમુદ્રા બનાવી નિઃશ્વાસ નાખ્યો : 'પ્રભુ એને જેલથી બચાવે ! આમાંથી સનાતન કયે વખતે ફાંસીને લાકડે લટકે તે કોણ કહી શકે ?'

દિવસો જતાં સનાતનનો ઘા રુઝાવા લાગ્યો. ચિતરંજનનો પરિચય