પૃષ્ઠ:Patra Lalsa.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
સૂનાં સિંહાસન

આશાભર્યાં ઊછરતાં પ્રિય બાલ બાલા !
સંસાર મધ્ય વડવાનલ કેરી જવાલા !
        ... ... ... ...

પોષ્યાં દૂધે અમૃતથી અજવાળી ગોરાં !
તે વત્સ કાજ વિષઅશ્રુ તણા કટોરા !
નાનાલાલ

વ્યોમેશચંદ્રને મળવા માટે નંદકુંવરે બૂમ મારી તે વખતે મંજરીનું માથું ખરેખર દુખતું હતું. તેનાં માતાપિતાને આશ્ચર્ય લાગ્યું કે આવી કહ્યાગરી છોકરી નીચે આવવા કેમ ના પાડતી હતી ? માથું ખરેખર દુખતું હોય તોપણ વિવેકી માણસોએ વિવેક તજવો ન જોઈએ.

વ્યોમેશના ગયા પછી નંદકુંવર ઉપર જઈ જુએ છે તો મંજરીની ઓરડી બંધ હતી. મંજરી કોઈ દિવસ ઓરડી બંધ કરી બેસતી નહોતી. તેમણે બૂમ પાડી. મંજરીએ ઊઠી બારણું ઉઘાડ્યું. તેની આંખો લાલ હતી. વાળ સહજ વીખરાયેલા હતા. મુખ ઝાંખું, ચોળાયેલું લાગતું હતું. માતા કાંઈ પણ પૂછે તે પહેલાં મંજરી બોલી : ‘મારું માથું બહુ જ દુખે છે.' અને આમ બોલતાં બોલતાં તે રડી પડી.

માતાપિતાનાં હૃદય જીતવા માટે બાળકનું એક જ આંસુ બસ છે. દીકરીને વાંસે હાથ ફેરવી નંદકુંવરે બેસાડી, અને પોતે પણ તેની પાસે બેઠાં. તેનું માથું દબાવવા માંડ્યું. થોડી વારમાં દીનાનાથ પણ ઉપર આવ્યા. મંજરીના આધારે જીવતાં આ માતાપિતા તેના શરીરની સ્થિતિ વિચારી ગભરાઈ ગયાં. મંજરી તે સમજી ગઈ. તેનું માથું ખરેખર દુખતું હતું પણ પોતાનાં માતાપિતાનું હૃદય તેથીયે વધારે દુખતું હોવાને લીધે તેણે સ્વસ્થતા ધારણ કરી. સ્વસ્થ થતાં મુખ ઉપર પ્રફુલ્લપણું આવવા માંડ્યું. અને તેણે વાતો કરવા માંડી.

માતાપિતા આ જોઈ ખુશ થયાં. દીનાનાથની નજર પલંગ આગળ પડેલા કાગળોના ટુકડા ઉપર પડી. છોકરીને હવે પરણાવી દેવી જોઈએ