પૃષ્ઠ:Patra Lalsa.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂનાં સિંહાસનઃ ૭૧
 

એવો વિચાર વધારે તીવ્ર થયો.

મંજરીને મળવા તેની એક સહીપણી આવી. તેને સોંપી નંદકુંવર અને દીનાનાથ નીચે ગયાં. બાળલગ્નથી કશો જ ફાયદો નથી એમ દીનાનાથ જાણતા હતા. પરંતુ બહુ મોટી ઉંમરે લગ્ન કરવું એ પણ વાસ્તવિક નથી એમ તેમનો વિચાર હતો. તેમનું ચાલ્યું હોત તો મંજરીને ક્યારની પરણાવી દીધી હોત. પરંતુ લાયક વરનો અભાવ અને પોતાની આર્થિક અશક્તિ એ બે કારણોને લીધે તેમની ઇચ્છા નહિ છતાં મંજરી વગર પરણ્યે મોટી થતી હતી.

મંજરી કેટલીક વખત ઘણી જ દિલગીરીમાં હોય એમ લાગતું. કેટલીક વખત તે વગરકારણે આનંદમાં આવી જતી. ક્વચિત્ તે ઘણી જ વાતોએ ચઢતી અને ક્વચિત્ તે વગરબોલ્યે આખો દિવસ ગાળતી. નંદકુંવર પણ સમજી શક્યાં કે આ બધાં દર્દનો એ જ ઈલાજ છે. 'છોકરીને જલદી પરણાવી દેવી એટલે તેનું જીવન આમતેમ હાલતું મટી સમતોલ થશે.'

જીવનના મહાસાગરમાં યૌવનનો વંટોળ ભયંકર ઊથલપાથલો કરે છે. મહાસાગરનાં મોજાને તે હિમાલયની ઊંચાઈએ ચઢાવે છે અને પાતાળની ઊંડાઈએ ધકેલી દે છે. હૃદયનાવડું બિચારું આ ઉછાળાઓને વશ થઈ ઘડીમાં આકાશ જુએ છે અને ઘડીમાં સાગરનું તળિયું નિહાળે છે. સમાજના સુકાનીઓ લગ્નનો એ જબરજસ્ત ખડક ખોળી કાઢી નાવડાને સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે. એક ખડકે નાવડું લંગરાય તો યૌવનનો વંટોળ શાંત પડે અને મધ્યસાગરનાં આકાશ-પાતાળ એક કરી નાખતાં મોજાના ભયંકર હીંડોળમાંથી નાવડું ઊગરી જાય.

પરંતુ એ ઊગરેલું નાવડું બિચારું સાગરના હીંડોળને તો ન જ અનુભવી શકે. જીવન શાંત થાય, સભ્ય થાય, સરલ થાય ? પરંતુ લગ્નથી જીવન સમતોલ થઈ જાય; પ્રમાણિક વ્યાપારીના ત્રાજવા સરખી બંને બાજુ સરખી : નહિ વધારે, નહિ થોડી. જુગારીની લાખોની હારજીતનો કંપ તેનાથી અનુભવી શકાય નહિ. હિમાલયના શિખર ઉપર જણાતું સૌંદર્ય તેમાં ન જ જણાય. સાગરના અંધકારમાં ડૂબકી મારી તેના તળિયા ઉપર ઊભા રહેતાં જે કમકમી આવે તે આ જીવનને અજાણી જ રહે. સપાટ જમીન ઉપર સીધે રસ્તે ચાલ્યા જતાં જે મધ્યમ અનુભવો થાય તેને પરિણીત. જિંદગી સાથે સરખાવાય.

એ બેમાંથી સારું શું હશે ? કોણ જાણે ! વસતિ તો સપાટ પ્રદેશમાં જ હોય છે. ઈશ્વરનો શો ઉદેશ હશે ? હિમાલય ઉપર જીવન નથી જ.