પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : પત્ર લાલસા
 


પણ એટલું તો ખરું જ કે તોફાની જીવન લગ્ન થયે ઠંડું પડે છે; શાંત થાય છે, તોફાની જીવનને એક જ ધમકી આપવી બસ છે. ‘તને પરણાવી દઈશું!' ઉછાળે ચઢેલું હૃદય શાંત થવું જ જોઈએ, પામર બનવું જ જોઈએ. જીવનની મસ્તી મટાડવા માટે આ માત્ર બસ છે.

અને છતાં બધાંય પરણે છે. જીવન તેથી જ ઉચ્ચ નહિ થતું હોય ? લગ્નો અજાણતાં જ થાય છે ! પુરુષ સ્ત્રીને ખોળે છે અને સ્ત્રી પુરુષને ખોળે છે. પરસ્પરને માગે છે, પરસ્પરનાં બંધનને માગતાં નથી. પરંતુ તેમને ભાગ્યે જ ખબર હોય છે કે લગ્ન એ પરસ્પરનો સંબંધ નહિ પણ પરસ્પરનું બંધન પણ છે. સંબંધ વિના બંધન શક્ય નથી. પરંતુ બંધન વિનાનો સંબંધ શક્ય છે ? જગતે ખોળવું પડશે. અને તે ખોળે જ છે.

હિંદુ સંસારમાં આવાં બંધનો રચવાનું કામ માબાપ બહુ સારી રીતે બજાવે છે. વંશપરંપરાથી ઊતરી આવેલી આ આવડત બાળકનાં જીવનને શાંત પાડવા બહુ ઉપયોગી થઈ પડે છે. દીનાનાથ અને નંદકુંવર હિંદુ જ હતાં અને તેમને પણ આ ગુણ વારસામાં મળેલો જ હતો. તે આધારે તેમણે વિચાર કર્યો કે હવે મંજરીને પરણાવવી જ જોઈએ.

મંજરીની સહિયરનું નામ માલતી હતું. બંને બહેનપણીઓએ એકબીજાની ખબર પૂછી. આજે મંજરીને માલતીનું આગમન બહુ જ ગમ્યું. ઘણે દિવસે તે આવી હતી. તેનું સાસરું આ ગામમાં હતું, અને તે પિયર જઈ આવી હતી. તેનો વર પણ કૉલેજમાં ભણતો હતો અને તે આ વર્ષે છેલ્લી પરીક્ષા પસાર કરી ગયો હતો. તે ઘણુંખરું સનાતન પાસે આવતો એટલે તેને મંજરીએ પોતાની શેરીમાં આવતો જોયેલો પણ ખરો. મંજરીએ પોતાની ખુશાલી દર્શાવી, તેના વર સંબંધી વાતમાં જ તેને દોરી. ખરે, સખીઓની વાતમાં નેવું ટકા વરની જ વાત હોય છે. માલતીનો વર મુંબઈ ગયો હતો. તેને વધારે ભણવાની ઇચ્છા હતી. તેને વકીલ થવું હતું. બહુ ખર્ચ આવે છે. નાનીનાની ઓરડીઓમાં રહેવું પડે છે. એકલા ગમે નહિ એટલે એક દોસ્તદારની સાથે તેને રહેવું પડયું, વગેરે નાની વિગતો માલતીએ સંભળાવી.

'પણ તું જાણે છે ને બહેન, કે મુંબઈમાં વગર પરણેલાઓથી રહેવાય જ નહિ.' માલતીએ મુંબઈમાં રહેવાની એક ભારે શરત બતાવી.

'એમ કેમ ?' મંજરીએ સવાલ કર્યો.

મુંબઈની તો વાત જ જવા દો ને, એટલું બધું નઠારું છે ! એમનો કાગળ આવ્યો હતો કે એમનો પેલો દોસ્ત તો ચાલ્યો જ ગયો.' માલતીએ કહ્યું.