પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ : પત્ર લાલસા
 


'એમાં પડ્યા એટલે એમને કાંઈ ફાવે ?' 'એ' અને 'એમાં' અને :'એમને' વગેરે સ્વરનો ઘણી જ અર્થસૂચક ભાષામાં માલતીએ બધો :ભાવાર્થ સમાવ્યો. ‘અને તું એને ઓળખતી પણ હોઈશ.'

'કેવી રીતે ? તારા વરના દોસ્તને હું શી રીતે ઓળખું ?' મંજરીએ :કહ્યું.

'ખરું કહે છે ! મારા વરના દોસ્તને તું ન જ ઓળખે. તારા વરનો દોસ્ત હોત તો તને ઓળખાણ પડત.' કટાક્ષમાં માલતીએ જણાવ્યું.

'જા, જા, હવે. ઓળખતી હઈશ તો તને કહીશ. શું નામ ?' મંજરીએ પૂછ્યું. પૂછતાં પૂછતાં તેનું હૃદય ધબક્યું. માલતીનો વર તેની પડોશમાં ઘણી વખત આવતો હતો. કોનું નામ દેશે?

‘સનાતન.' માલતીએ કહ્યું.

પોતાને ગમતા પુરુષનું નામ બીજું કોઈ લે તોપણ તે સારું જ લાગે છે. મંજરીને આ નામ બીજાને મુખેથી બહુ દિવસે સાંભળતાં સંતોષ થયો.

'સનાતનનાં વખાણ કરતાં એ થાકતા જ નહિ.' માલતીએ પ્રથમની સ્થિતિ કહી. 'જે કાંઈ વાત આવે તેમાં 'સનાતન આમ કહે છે અને સનાતન તેમ કહે છે' એમ તેનો જ મત આગળ કરતા. હવે બધી જ વાત ફરી ગઈ. નઠારી સોબતમાં સનાતન પડ્યો ! લુચ્ચા લફંગાઓની સંગતમાં ફરે છે, મારામારીઓ કરે છે, કુટ્ટણીઓના ઘરમાં છે અને આમ દિવસ ગુજારે છે. કાગળમાં આ વાત લખતાં પણ એમને તો રડવું આવ્યું. આંસુથી થોડા અક્ષરો પણ ચેકાઈ ગયા એટલો બધો સનાતન માટે ભાવ છે !'

મંજરી આશ્ચર્યથી મૂઢ બની ગઈ. ક્યાં સનાતન ઉચ્ચ પ્રકારનો અભ્યાસી, શરમ અને સભ્યતાથી ભરેલો, જીવનમાં પ્રવેશતો યુવક ! અને ક્યાં આ અસભ્ય વાતાવરણમાં ફરતો અનાર્ય !

સનાતનની ખબર મળશે એ લોભથી માલતીને તેના વરની સામાને કંટાળો ઉપજાવે એવી વાત કરવાને મંજરીએ પ્રેરી હતી. કંટાળો સહીને પણ તેણે વાત કઢાવી. અને પરિણામ ?

પરિણામ એ જ કે સ્વપ્ને પણ ન ધારેલી હકીકત સાંભળવાનો પ્રસંગ આવ્યો. તે દુઃખી થઈ ગઈ. અને દુઃખના આવેશમાં માલતીની વાત સાચી ન હોવાનું તેણે જાહેર કર્યું.

માલતીએ પોતાના પતિનો કાગળ મંજરી પાસે ધર્યો. મંજરીએ વાંચ્યો. સનાતનના અધઃપતનની જ તેમાં કથની લખેલી હતી.

‘માટે જ મેં કહ્યું કે મુંબઈમાં વગર પરણેલાથી રહી શકાય જ નહિ.'