પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂનાં સિંહાસન : ૭૫
 


માલતીએ પરણેલાનું મહત્ત્વ બતાવતું કથન ફરી કર્યું.

મંજરીને વિચાર આવ્યો કે સનાતનને તે કાગળ લખે તો ? તે પોતે મુંબઈ જઈ સનાતનને આ ખરાબ રસ્તેથી બચાવે તો ? વિક્રમની વાતો વાંચેલી, અને તેમાં ખરાબ માર્ગે જતા પતિને છૂપે વેષે લલચાવી સુપંથમાં વાળનાર પત્નીઓની વાર્તાઓ તેના ધ્યાનમાં હતી. પણ તે કામ તો પત્ની કરી શકે ! પોતે કોણ ? શું સગપણ ? શો સંબંધ ? પારકાને માટે આ બધું કેમ થાય ?

તેનું હૃદય વીંધાઈ ગયું. તેને અને સનાતનને કશો જ સંબંધ નથી એમ તેની ખાતરી થઈ. અને છતાં હૃદય તેની પાછળ દોડતું હતું !

માલતી વિદાય થઈ. સનાતનની વધારે વાત છેડવાનું મંજરીએ બંધ રાખ્યું. તેનું સિરનામું પૂછી જોવાનો વિચાર પણ મોકૂફ રાખ્યો. શરમથી તે આગળ કાંઈ જ કરી શકી નહિ.

એકલી પડતાં ફરી તે વિચારમાં ગૂંથાઈ અને ગૂંચવાઈ. કાંઈ જ ન ફાવ્યું એટલે તેણે ગાવાનું શરૂ કર્યું. ગીતમાં પણ રડવું આવે એવી જ કડીઓ કંઠમાં આવ્યા કરતી હતી. આમ કેમ ?

સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં
 ને મારા સૂનાં સિંહાસન કાન્ત રે
સ્નેહધામ સનાં સૂનાં રે !
આંબાની ડાળી મ્હોરે નમી
મ્હોંય કોયલ કરે કલ્પાંત રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે !'

ગીત ગાતાં તે ખરેખર રડી પડી. એ કોને માટે રડતી હતી ? શાને માટે રડતી હતી ? તેનો ખોવાયેલો સનાતન જડ્યો અને પાછો ખોવાઈ ગયો !