પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તરસી નજર : ૭૭
 

શું સૂચવતું હતું ? પોતે મંજરીને કેમ પરણી ન શકે ? પોતાના કરતાં વધારે સારો વર મંજરીને કોણ મળવાનો હતો ? મંજરીને બીજા કોઈ ભાગ્યે જ સુખી કરી શકશે !

આમ પોતાના સ્વાર્થમાંથી મંજરીને સુખી કરવા માટે તેની સાથે લગ્ન કરવાના વિચારો કરતાં વ્યોમેશચંદ્ર પરમાર્થનો રસ્તો શોધ્યો. દરેક વ્યક્તિને પોતાની મહત્તાનો ખ્યાલ હોય છે જ. અને એ મહત્તા સામાના સુખને માટે જ વાપરવાની હોય છે. બાળકને સોટી ચમચમાવનાર શિક્ષક એમ જ બચાવ કરે છે કે તેથી બાળકોનો અવતાર સુધરે છે. શિક્ષક ભૂલી જાય છે કે સોટીના વપરાશમાં બાળકને સુધારવાની અશક્તિનું પ્રદર્શન થાય છે !

વ્યોમેશચંદ્રના ગત પત્નીની મોટી છબી હસતી હોય એમ ફરી તેમને ભાસ થયો. છબીની હાજરી તેમના વિચારોમાં હરકત રૂપ થવા લાગી હતી. તે ઘડી ઘડી દુઃખમય વિચારો ઉપજાવ્યા કરતી હતી.

લગ્નના વિચારમાં તે પ્રતિકૂળ શરમની ભાવના ઉપજાવતી હતી એ સત્ય તે કહી શકે એમ નહોતું.

'છબીને દીવાનખાનામાં મૂકીએ તો કેવું ? વ્યોમેશચંદ્રે લક્ષ્મીની સલાહ લીધી. 'આ ખંડમાં આવડી મોટી અને આવી સારી છબી દીપતી નથી.'

લક્ષ્મી સર્વ વાતે અનુકૂળ જ હતી. તેણે સંમતિ આપી.

જે પત્ની જીવતાં પોતાનાં બાળકો સાથે આ ખંડમાં સમાઈ જતી હતી. તે પત્ની મૃત્યુ પામતાં તેના કદથી પા ભાગની છબીના સ્વરૂપમાં ભીંત ઉપર ટીંગાયલી પણ સમાઈ શકી નહિ !

લગ્નનો વિચાર વૃદ્ધોને પણ યુવાન બનાવે છે. વ્યોમેશચંદ્ર બિચારા વૃદ્ધ નહોતા. અને જોકે પોતે ચાર બાળકોના પિતા હતા છતાં તેમને પોતાની ગત પચીશીના ભણકારા વાગવા માંડ્યા. તેમના પોષાકમાં સફાઈ અને નવીનતા આવવા લાગ્યાં. તેઓ નાનપણમાં ઘોડાનો ઘણો શૉખ ધરાવતા હતા. કેટલાંક વર્ષોથી ગાડીમાં ફરવાની પડી ગયેલી સુસ્ત ટેવનો તેમને કંટાળો આવ્યો. આજે ઘોડા ઉપર ફરવા જવાની ઊર્મિ થઈ આવી હતી.

‘સાહેબ ! ઘોડો તૈયાર છે.' સાઈસે જણાવ્યું.

'ઠીક.' વ્યોમેશચંદ્ર નીચે ઊતર્યા. ઘોડાને બરાબર નિહાળ્યો, પંપાળ્યો અને થાબડ્યો. સુંદર જાનવર મગરૂરીમાં ઊભું રહી પોતાની કિંમત અંકાતી જોઈ ખુશાલીમાં આવી ગયું.