પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮: પત્રલાલસા
 


‘ઘોડો જરા ભારે થઈ ગયો, ખરું ?' વ્યોમેશે ઘોડાવાળાને પૂછ્યું.

'સાહેબ, એને મહેનત ક્યાં છે ? છોકરાં કોઈક દિવસ બેસે, કે હું પાણી પાઈ આવું, એટલું જ.' સાઈસે જવાબ આપ્યો. ઘોડો બાંધ્યો રહે અને ઘાસચંદી ખૂબ મળે એટલે એમ જ થાય.'

‘એને તો ફેરવતા જ રહેવું જોઈએ. હવેથી હું જ એને હાથમાં લઈશ.' એમ બોલતાં બોલતાં તેઓ પેંગડે પગ મૂકી ચપળતાથી ઘોડા ઉપર બેસી ગયા. બહુ જ દિવસે આવડતવાળા માણસને પોતાના ઉપર સવાર થયેલો જોઈ ઘોડો આનંદમાં આવી ગયો. થનકથનક કરતો આ ઊંચો ઘોડો, શહેનશાહોના ગુમાનને પણ વિસરાવી દે એવી મરોડભરી ગરદન રાખી અભિમાનભર્યા ડગલાં મૂકતો આગળ વધ્યો.

'સાહેબ ! બહુ દિવસે કાઢ્યો છે, એટલે જરા સંભાળજો. આજે બહુ દૂર ન લઈ જશો.' ઘોડાવાળાએ શિખામણ દીધી.

વ્યોમેશચંદ્રે નાનપણમાં કંઈક ઘોડાઓને થકવી દીધા હતા. એ ઘોડાઓને થકવનારો જૂનો જુસ્સો આજ તેમનામાં પ્રગટ્યો હતો. તેમને આ શિખામણની જરૂર નહોતી. સાઈસ કરતાં અલબત્ત તેઓ વધારે કુનેહવાળા હતા. તેમણે તેમની શિખામણનો ઉત્તર આપવાની દરકાર જ ન કરી.

‘લાવ, દીનાનાથને કહેતો આવું કે તેઓ આજે રાહ ન જુએ.' એમ વિચાર કરી તેમણે ઘોડાને દીનાનાથની શેરી તરફ વાળ્યો. જાગીરદારને ત્યાં માણસો પૂરતાં હતાં. એકાદ માણસ સાથે કહેવડાવ્યું હોત તો ચાલી શકત. તેમણે જાતે જઈને શા માટે કહેવું પડે, તે તેઓ જાણે.

દીનાનાથના ઘર પાસે આવી તેમણે એક તરસી નજર બારી અને અગાસી તરફ ફેંકી. ઘોડાનાં પગલાં સાંભળી મંજરીએ કુતૂહલથી બારીએ જોયું. ભારે છટાથી ઘોડા ઉપર બેઠેલા વ્યોમેશચંદ્રના મનથી ઘોડાની કિંમત વસૂલ થઈ ગઈ, અને પોતાની આવડત સફળ થઈ એમ લાગ્યું. જરા નજર કરી મંજરીએ ભમરો ઊંચી ચઢાવી. પરંતુ તે સાથે કાંઈક સ્મિતની રેખા તેના મુખ ઉપર દોરાઈ અને તેણે ડોકું અંદર લઈ લીધું.

એ સ્મિતમાં અણગમો અને હાંસી હતાં કે આવકાર અને આહ્વાન? સ્મિત કરનાર વ્યક્તિ તે સંબંધમાં સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ગમે તે ધારી લેવાની છૂટ હોય છે.

વ્યોમેશ બૂમ મારી :

'ભાઈસાહેબ !'