પૃષ્ઠ:Patra Lalsa.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ઃ પત્રલાલસા
 


ઘોડેસવાર થવું એ નાનીસૂની વાત નથી. એ આવડત મનુષ્યને જેટલો મગરૂર બનાવે એટલો મગરૂર પરીક્ષામાં પહેલો આવનાર વિદ્યાર્થી પણ નહિ થઈ શકતો હોય ! અને તેમાં જો કોઈ રૂપવાન સ્ત્રી જોઈ રહી છે એમ ખ્યાલ આવે તો જરૂર ઘોડેસવાર નેપોલિયન કે શિવાજીનો અવતાર બની જાય છે.

ઘોડાને પાછો ફેરવતાં તેણે ઘણો જ અણગમો દેખાડ્યો. પોતાની અધીરાઈ અને જુસ્સો તેણે વધારે કડક સ્વરૂપમાં દેખાડ્યો. તોફાને ચઢેલા ઘોડાને વશ રાખનાર વિશ્વવિજયનો આનંદ અનુભવે છે. ઘોડાને વ્યોમેશચંદ્રે પાછો ફેરવ્યો અને કુતુહલથી નિહાળી ઊભી રહેલી મંજરીને જણાવ્યું :

'કદાચ રાત્રે ન અવાય તો રાહ ન જુએ એમ ભાઈસાહેબને જણાવશો ?'

'હા, જી !' મંજરીએ જવાબ વાળ્યો.

'બનશે ત્યાં સુધી તો આવીશ.'

'ઠીક' કહી મંજરી શાંત રહી. દીનાનાથ વ્યોમેશચંદ્રની આટલી બધી રાહ શા માટે જોશે કે તેને માટે આમ ઘોડા ઉપર બેસી તેમને કહેવા આવવું પડ્યું ? તેમાંયે બનતાં સુધી આવવાની જ ઈચ્છા હોય તો આ બધી વાત જ નિરર્થક છે એમ મંજરીને લાગ્યું. પરંતુ વ્યોમેશચંદ્રની આંખમાં જ આ સઘળાનો ઉદ્દેશ લખેલો હતો. મંજરી તે વાંચી શકી. 'સ્ત્રીઓની પાછળ આમ ફાંફાં મારવા પડતાં હશે ?' તેને વિચાર આવ્યો. પરંતુ તે ભૂલી ગઈ કે સનાતનના પત્રની રાહ જોતી તે દરેક સવાર વિતાવે છે અને પત્ર ન મળતાં ટપાલીને શાપ આપતી તે હજી એક નિસાસો નાખે છે.

વિચારમાં ઊભેલી મંજરી એકદમ ચમકી. કડકાશથી પાછો ફેરવાયેલો ઘોડો આગળ વધતાં વધારે આવેશમાં આવ્યો, અને બેદરકારપણે પોતાને એડી ભોંકાતા આ સુંદર જાનવરનું પાણી ઊછળી આવ્યું. ભય પમાડે એવો હણહણાટ કરી તેણે બેલગામ થઈ જઈ દોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને એક ઠોકર લાગવાથી ઘોડો અને સવાર બંને જમીન ઉપર ઢળી પડ્યા.

મંજરી ચમકી. આવા ઓળખીતા ગૃહસ્થને અકસ્માત થાય છતાં તે એમ ને એમ બેસી રહે એ અસંભવિત હતું. તેનું માનવહૃદય ઝણઝણી ઊઠ્યું, અને પ્રેમી તરીકે અસંભવિત મનાયલા પુરૂષને અકસ્માતના પ્રસંગે ખરેખર સહાયને પાત્ર માની તે નીચે દોડી આવી.