પૃષ્ઠ:Patra Lalsa.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ : પત્રલાલસા
 

જોખમમાં જ હોય છે. કોઈએ ખૂનનો પ્રયત્ન તો નહિ કર્યો હોય, એમ ધારી તેઓ અધીરા બની ગયા.

'શાથી વાગ્યું ?'

'ઘોડા ઉપરથી પડી ગયા. વધારે વાગ્યું છે. હમણાં જ ખાટલામાં નાખીને તેમને લઈ ગયા.'

'ક્યાં ?'

‘તેમને ઘેર.'

આટલું સાંભળતાં દીનાનાથ પોતાને ઘેર ન જતાં વ્યોમેશચંદ્રના ઘર તરફ ગયા. પોતાનાં જૂનાં વેચાઈ ગયેલાં મકાનો તરફ તેમને જવું બહુ ગમતું નહિ, પરંતુ તેમાં તેમના પોતાના નસીબનો વાંક હતો. વ્યોમેશચંદ્ર શું કરે ? તેણે તો અણીને વખતે મિલકત વેચાતી લઈ પૈસાની રકમ આપી હતી ! એમ મનનું સમાધાન કરી તેઓ પોતાના જૂના – પણ ફેરવાઈ ગયેલા મકાનમાં ગયા.

આખા મકાનમાં ધમાલ થઈ રહી હતી. દરેક માણસને એમ લાગતું કે આટલું બધું ધાંધલ કર્યા સિવાય ઘરના માલિક માટેની લાગણી પૂરતી વ્યક્ત થયેલી નહિ ગણાય ? સહુ કોઈ દોડાદોડ કરતું હતું. છોકરાં રડતાં રડતાં આમતેમ ફરતાં હતાં. કોઈ વૈદ-દાક્તરને બોલાવવા તજવીજ કરતું જણાતું. કોઈ ગરગથ્થુ ઓસડની તૈયારી કરતું. માત્ર વ્યોમેશચંદ્રની જાતને જ કોઈ સંભાળવાની તસ્દી લેતું નહિ. પેલી લક્ષ્મી પાસે બેઠી હતી.

'હું હજી મરી ગયો નથી. આટલું બધું ધાંધલ કેમ કરો છો ? છોકરાં રડે છે તે તમારા કોઈના ધ્યાનમાં નથી આવતું ?' વ્યોમેશચંદ્ર અત્યંત અકળાઈને બોલ્યા.

'છોકરાં તો રડતાં હમણાં છાનાં રહેશે, પણ તમને વાગ્યું છે તે તો જુઓ, લોહી નીકળ્યું. ઉઠાતું નથી. જરા શાંત પડો. હમણાં દવા આવે છે.' લક્ષ્મીએ બહુ જ કાળજી બતાવી જણાવ્યું.

'તમે લોકો જ મને શાંત પડવા દેવાનાં નથી.' વ્યોમેશે જવાબ આપ્યો. 'મને અહીં એકલો સૂઈ રહેવા દે, જઈને છોકરાંને સંભાળ !'

લક્ષ્મી ઊઠીને જવા લાગી. એટલામાં દીનાનાથનો વૃદ્ધ પરંતુ ગૌર, લાંબો, ભવ્ય દેહ ઓરડામાં પેસતો દેખાયો. વ્યોમેશને જરા સાંત્વન મળ્યું.

'આવો ભાઈસાહેબ ! હું તો જરા પડી ગયો. વધારે નથી વાગ્યું.'

વ્યોમેશની પાસે ભારે મિલકત હતી. પરંતુ તેની વ્યવસ્થા કોણ કરે? અને તેમાંયે એ જાતે અશક્ત હોય ત્યારે અવ્યવસ્થાનો પાર જ શાનો હોય?