પૃષ્ઠ:Patra Lalsa.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકસ્માતનાં પરિણામ : ૮૫
 

દીનાનાથને પણ આ ઘરમાં ગૃહિણીનું સ્થાન ખાલી લાગ્યું અને તે ખાલી હોવાના કારણે ઘરમાં અસાધારણ અવ્યવસ્થા અને ધાંધલ જણાયાં.

દીનાનાથે સાત્ત્વન આપ્યું. વૈદ્ય-ડૉક્ટરોને વ્યોમેશચંદ્ર તરફ ઘણો જ સદ્દભાવ હતો, કારણ, નાનીમોટી બાબતમાં સલાહ માટે વૈદ્ય ડૉક્ટરને ત્યાં જવું એ તેમના આખા ઘરને સુગમ પડી ગયું હતું. વ્યોમેશચંદ્ર દવાઓના મોટા ગ્રાહક હતા. ઘરમાં એક નાના દવાખાના જેટલી દવાની શીશીઓ તેમણે ભેગી કરી હતી. રોગ અને દવાઓનાં નામ તેમને મોઢે થઈ ગયાં હતાં, અને પોતાના તે જ્ઞાનનું પ્રદર્શન કરવું તેમને ગમતું પણ ખરું. અલબત્ત પત્નીની લાંબી બીમારી આમાં કારણરૂપ હતી. છતાં ડૉક્ટરોની વિઝીટ અને તેમના બિલ ચાલુ જ રહેતાં. એટલે સહુની માફક આ ધંધાદારી વર્ગને પણ વ્યોમેશચંદ્ર માટે કુમળી લાગણી રહેતી.

ખબર પડતાં વૈદ્ય અને ડૉક્ટરો પણ આવ્યા. બની શકે તે ઉપાયો સૂચવી દવાઓ આપી તેઓ ચાલ્યા ગયા. એક નાની છોકરી એટલામાં રડતી રડતી ઓરડીમાં ચાલી આવી ! લક્ષ્મી તેની પાછળ ઘણી જ ઉતાવળથી આવી તેને ઊંચકી જવા લાગી.

'ના, મારે બાપાજી પાસે જવું છે !'

એમ કહી રડતી છોકરીએ પોતાનો વાંધો જાહેર કર્યો. વ્યોમેશચંદ્રને બાળકો ઉપર ઘણું વહાલ હતું, અને તેમણે પોતાની પાસે બાળકને બેસાડવા લક્ષ્મીને સૂચના કરી જ હોત ! પરંતુ એટલામાં દીનાનાથનું કુમળું હૃદય દ્રવી ઉઠ્યું અને સહજ અણગમો જણાવી આવે એવી ઢબથી તેમણે કહ્યું :

‘આવવા દે, એ છોકરીને ! નકામી કેમ ખેંચી જાય છે ?'

સહુના માનને પાત્ર વૃદ્ધ દીનાનાથને પોતાની આશા લોપાયલી જોવાના ભાગ્યે જ પ્રસંગ આવતા. પોતાની જાહોજલાલીમાં જ નહિ, પણ પોતાની પડતી હાલતમાં પણ એ જ પ્રકાર બનતો. ચાલે ત્યાં સુધી તેઓ કોઈને આજ્ઞા આપતા જ નહિ; અને આજ્ઞા કરવાનું કારણ બને ત્યારે તે કારણ હંમેશ સત્ય હોય, એટલે સહુ કોઈને તેમનું કહેવું માન્યા વગર ચાલતું નહિ. પરંતુ લક્ષ્મીને સર્વદા દીનાનાથના ઘર સાથેનો પરિચય ગમતો જ નહિ. બને ત્યાં સુધી દીનાનાથનું ભૂંડું બોલવાને તે ચૂકતી નહિ. તેમની છોકરી મોટી થઈ હતી તે માટે તે ઘણી જ સખત ટીકા કરતી, અને સ્ત્રીની અંતર દ્રષ્ટિએ તેને ખાતરી આપી હતી કે દીનાનાથ સાથેનો વધતો જતો પરિચય વ્યોમેશચંદ્રને મંજરી માટેની કોઈ લાગણીનું જ પરિણામ હતું. પોતે તો એક નોકર બાઈ હતી. શા માટે તેને મંજરી સાથેનો વ્યોમેશચંદ્રનો પરિચય ગમતો નહિ ? એ ચાલાક નોકરડીની અભિલાષાઓ વ્યોમેશચંદ્રને