પૃષ્ઠ:Patra Lalsa.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
અસ્થિર મનોદશા

આશાભર્યાં ઉછરત પ્રિય બાલબાલા
સંસાર મધ્ય વડવાનલ કેરી જ્વાલા !
નાનાલાલ

મંજરી ખરેખર વિચિત્ર છોકરી જ હતી. એને શું ગમશે અને શું નહિ એ ભાગ્યે જ કોઈ સમજી શકતું. માતાપિતાની તે લાડકી હતી. તેની મરજી વિરુદ્ધ કાંઈ જ થતું નહિ; - જોકે તેની મરજી તે ભાગ્યે જ વ્યક્ત કરતી. માતાપિતાનું તે અતિશય માન રાખતી, પરંતુ કોઈ કોઈ વખત પોતાનો અણગમો બરાબર બતાવતી.

અમુક માણસો તેને ગમે અને અમુક માણસો તેને ન જ ગમે. ગમતા માણસો સાથે તે ઘણી જ વાત કરે, અને ન ગમે તે માણસો સાથે તે ઘણી જ અતડી રહે. સ્વમાનની ઘણી જ ભારે લાગણી તેનામાં ઊતરી આવી હતી; પરંતુ હૃદયની મૃદુતા ઘણી વખતે એ અભિમાનમાં ઘસડાઈ જતા સ્વમાનને સુંદર સ્વરૂપ આપતી. ઊંચો ઘાટદાર બાંધો, ગૌર વર્ણ, માર્દવની કુમળી રેખા અને સ્વમાનનું તેજ તેને આકર્ષક બનાવતાં. એના તરફ જોઈને ભાગ્યે જ તત્કાળ નજર પાછી ખેંચી લેવાય.

આટલી ઉંમર સુધી તે અવિવાહિત સ્ત્રી હતી તેમાં તેની સ્વેચ્છા જ કારણ રૂપ હતી. હિંદુ સંસારમાં હજી સારું કુળ માન પામે છે. સારા કુટુંબ સાથે સંબંધ બાંધવા સઘળા આતુર રહે છે. એટલે દીનાનાથની આર્થિક સ્થિતિ ઊતરતી થયેલી હોવા છતાં તેના ઘરની કન્યા લેવા ઘણા માણસો ઉત્સુક હતા. પરંતુ કેટલાકને દીનાનાથે જ નાપસંદ કર્યા, કેટલાકને નંદકુંવરે નાપસંદ કર્યો. અને તેમની પરીક્ષામાં પસાર થયેલા સઘળા છોકરાઓને મંજરીએ નાપસંદ કર્યા.

અલબત્ત મંજરી અસભ્ય જરા પણ નહોતી. કોઈ પણ યુવકનું નામ તેની આગળ દેવામાં આવે ત્યારે તે વાતનો ઉદ્દેશ સમજતી હતી. પરંતુ, ઉંમરે પહોંચેલાં માબાપને પોતે જાણે કંઈ સમજતી ન હોય, એમ દેખાવ કરી તે જવાબ આપી શકે એમ હતું. અણસમજના દેખાવ પાછળ અસભ્યતા