પૃષ્ઠ:Patra Lalsa.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અસ્થિર મનોદશા : ૮૯
 

દબાઈ જાય છે.

'મંજરી ! પેલો છોકરો કેવો ગોરોગોરો છે?' ક્વચિત્ વાતમાં નંદકુંવર પૂછતાં.

'તને ગોરો લાગતો હશે !' મંજરી ભમ્મર ચઢાવી કહેતી. 'આટલો બધો ફિક્કો ! કમકમી ચઢે એવો ગોરો હોય તે કાંઈ સારો લાગે ?'

કોઈ યુવક ઊંચી પરીક્ષામાં પસાર થાય એટલે દીનાનાથની નજર તેના તરફ દોડતી. તેઓ ઘરમાં વાત કરતા કે અમુક છોકરો બહુ ઊંચી પાયરીએ પરીક્ષામાં આવ્યો ! મંજરી સહજ હસતી.

‘કેમ બહેન ! કેમ હસે છે ? ભણનાર તો બહુ જ ઓછા છે.'

'એ જ સારું છે.' હસતાં હસતાં મંજરી કહેતી. 'બહુ ભણ્યો છે પણ એનું મોં કેવું રડતું લાગે છે ? મોં જઈને તો આંખો બંધ કરવી પડે !'

'ત્યારે પેલો તો ભણે છે પણ ખરો, જરા ઊજળો પણ છે, અને સહેજ ચબરાક પણ છે.’ નંદકુંવર બીજા કોઈ છોકરાનાં વખાણ કરતાં.

'એવા ચીબાવલા છોકરા બહુ સારા કહેવાતા હશે !' મંજરી વાંધો લેતી, 'જ્યારે જોઈએ ત્યારે વીલું હસતું મોં રાખે એનું નામ બહુ ચબરાક, ખરું કે ?'

‘તને તો એટલો મિજાજ છે કે ખાસ કરીને ખૂબ કાળો અને કદરૂપો વર ખોળી હું પરણાવવાની છું. તે વગર આ તારું અભિમાન ઓછું થવાનું નથી.' નંદકુંવર અડધું ચિડાઈને અડધું હસીને બોલતાં.

આમ વર્ષો સુધી મંજરીની પસંદગી કોઈ તરફ વળી નહિ. મોટી ઉંમર થતાં પોતાને લીધે માબાપને પડતી આર્થિક અડચણ મંજરી બરાબર સમજી ગઈ હતી, એટલે તેણે પોતાની આવડતનો છાનોમાનો બહુ જ ઉપયોગ કર્યો. તે રૂમાલો ભરતી, કોર ભરતી, કપડાં પણ વેતરી શકતી, અને તેની બહેનપણીઓ દ્વારા પોતાની બનાવેલી ચીજો બજારમાં વેચાવી, તે પોતાના કુટુંબને આર્થિક સહાય પણ આપતી. નંદકુંવર આ વાત જાણતાં, પણ તેમનો બીજો ઈલાજ નહોતો. માત્ર આવક બનતાં સુધી જુદી જ મૂકી રાખતાં.

દીનાનાથને માત્ર તે દિવસે જ ખબર પડી હતી કે મંજરી આવી આવી ચીજ વેચે છે. તેમને પોતાના ઉપર તે દિવસે એટલો બધો ધિક્કાર આવી ગયો હતો કે તેઓ આપઘાત કરવાના વિચારો તરફ દોરાયા હતા. ત્યાર પછી તેમણે સખત હુકમ આપી દીધો કે મંજરી પોતાના શોખથી જે કામ કરતી હોય તેના આવેલા પૈસામાંથી ઘરમાં એક પાઈ પણ વપરાવી ન