પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવનારાઓને આપણી મૂંઝવણોની પરવા નથી. તેઓ તો આપણાં નામ અને તમારા જેવાની છબીઓ હિંદના છાપામાં આપી કૃતાર્થ થાય છે. આપણે આપણો વળ કેવી ઠગાઈ કરીને ઉતારશું તેની તેમને કશી ખેવના નથી."

"પણ કરવું શું?"

"હવે એમ કરો, શાંતિભાઈ!" નૌતમે કહ્યું : "જે કોઈ સેવકજી ફાળો ભરાવવા આવે, તેમના ખરડામાં એમ લખાવો, કે આ પચાસ બર્મી સ્ત્રીઓને છેતરવાની કમાણી; આ એક બરમાનું ડાંગરનું ખેતર પડાવી લેવાની પ્રાપ્તિ; આ દસ ગુજરાતી પગારદાર નોકરોને ચૂસી બચાવેલી રકમ ફલાણી સંસ્થામાં આપું છું; બસ, એમ લખીને આપવું."

"તો શું તમને લાગે છે, ડૉક્ટર સાહેબ, કે આ હિંદના સેવકો ભાયડા ના પાડે ? આશા જ ન રાખતા હો કે ?"

"હું તો કહું છું કે બર્માની આપણી કમાણી પર અગ્ર હક બર્માના ખુદના, ખુદ બ્રહ્મીજનોના હાથના ઉદ્ધારકાર્યનો રહેવો જોઈએ."

વાત તો બહુ વધી ગઈ. રાત પડી ગઈ. સૌ ઊઠ્યાં. ત્યાં શાંતિદાસ શેઠે યાદ કીધું: "અરે ભાઈ, કાલે તો ઓલ્યા ફો-સેંઈનો જલસો છે. ડૉક્ટર, તમે આ લોકોની સંસ્કૃતિનું બહુ કૂટો છો, તો હાલો જોવા હાલશું કાલે ? જાયેં, પાંચસોનું ધાડું જ જાયેં. ભલે બચારો ખાટતો. આ બરમાઓ ફો-સેંઈ પાછળતો ગાંડાતૂર્ છે. ફો-સેંઈ આવ્યો એટલે હવે ખાશેપીશે નહીં, ખુવાર મળી જશે એના નાચ ઉપર."

"મારો વાલો બૂઢિયો, ભેળો સવાસો નાચનારિયુંનો કાફલો રાખે છે હો !" ત્રીજાએ કહ્યું.

"નાચવામાં જ બર્મા જવાનું છે." શામજી શેઠે ટકોર કરી. "જાયેં ત્યારે. ખટાવીએ બચાડા ફોશીને અને રાજી કરીએ ડૉક્ટર સાહેબને. બાળીએ બર્માની સંસકરતી ખાતે પચાસ રૂપિયા !"

પરિયાણ કરીને સૌ છૂટા પડ્યા.