પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


15
ફો-સેંઈના નૃત્યમાં

સવાસો 'નાતમી' ! એક મોટી ફોજ !

'ના' કહેતાં માછલી, ને 'તમી' કહેતાં દીકરી : નર્તકીને બર્મામાં આમ મત્સ્યકુમારી કહે છે. માછલીને મળતો દેહ-ઘાટ. માછલી જેવી જ તરલતા, માછલીની જ કુમાશ !

અથવા નાતમી એટલે નાટ(યક્ષ)ની તમી (દીકરી) કહેતાં અપ્સરા, એવી સવાસો રંભાઓના ઘેર પીમના શહેરમાં ઊતરી પડ્યા. ફો-સેંઈનાં નૃત્યો બર્માને ગાંડું કરે છે. આપણે ઉદયશંકર છે, તેઓને ફો-સેંઈ. નટરાજ ફો-સેંઈ પીમના આવ્યો હતો. તે દિવસ એના નટમંડળનું 'તીજ્યાં પ્વે' હતું. 'તીજ્યાં પ્વે' એટલે ઇન્દ્ર-ઇન્દ્રાણીનું નાટક.

દીવાલે બાંધેલા ચોગાનમાં કશા જ ભપકા અથવા કરામતો વગરની એક રંગભૂમિ હતી. બેઉ બાજૂએ બે પાંખો હતી, બાકી બધું ખુલ્લું હતું. પાંખો પાછળ થઈને નૃત્યકાર-પાત્રો એ રંગભૂમિ પર આવતાં અને નાટારંભ કરતાં.

ધાવણા બાળકોને તેડી તેડીને બ્રહ્મી સ્ત્રીઓ જલસામાં ચાલી છે, પુરુષોના હાથમાં બાલોશિયાં અને અક્કેક ચટાઈ છે. બબ્બે રૂપિયાની ટિકિટો લઈને પેક્ષકો અંદર પ્રવેશ કરે છે, રંગભૂમિની સામે ધરતી ઉપર ચટાઈઓ પથરાય છે અને કુટુંબો બેસે છે. બાળકોને બલોશિયાં પર સુવારે છે. કોઈ પોતાની જગ્યા માટે કલહ કરતું નથી, કોઈને જગ્યાની સંકડાશ પડતી નથી. ધરતીમાતાનો ખોળો પહોળો છે. પ્રેક્ષકોને હૈયે શાંતિ છે. પહોળા બનીને સૌ નિરાંતવાં ઘૂંટણભર બેઠાં છે.

પ્રેક્ષકશાળાની પાછલી જગ્યામાં, આ ભોંય બેઠેલાંના બ્લૉકની તદ્દન છેવાડે કલઠાંઈઓ નાખી છે.

કલઠાંઈ એટલે ખુરશીઓ; કલા કહેતાં સામા કિનારાથી આવેલ હિંદીઓ અને ઠાંઈ કહેતાં બેઠક. હિંદીઓની બેઠક ખુરશી. એ બ્રહ્મદેશનું