પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બાઈને કોઈ લેતું નથી, ને ભાઇને કોઇ દેતું નથી. સરખાસરખી જોડ છે."

"લાગે છે એ જ વેતરણમાં."

એ બધાં સીધાં ચાલ્યાં ગયાં ને પોતપોતાની ચટાઈઓ બિછાવીને બર્મી લોકોની સાથે બેઠાં.

ચટાઇ પર નીચે બેઠાં બેઠાં ચોમેર નજર કરતા નૌતમે પત્નીને બતાવ્યું: "નીમ્યા દીઠી?"

"ક્યાં?"

"ઓ રહી." આંખથી જ દિશા બતાવી. "અરે, એની પાસે તો બાળક છે ને શું? કેવી રીતે! એને છોકરું આવ્યું તેને માટે આપણે કશી ભેટ લઈ જવાનું જ ભૂલી ગયાં!"

એમ કહેતી હેમકુંવર ઊઠી અને દૂર એક ચટાઈ પર બેઠેલ નીમ્યા પાસે ગઈ, નીમ્યાને ઝબકાવી, કોઈ ન કળે તેમ કેડ્યે ચીમટીનો વળ દઈને ઠપકો આપ્યો: "ખબર પણ ન આપી કે?"

"માંડ માંડ બચી છું." નીમ્યાએ પ્રસવ-પીડાની વાત કરી.

"તો અમને કેમ ન બોલાવ્યાં?"

"આ રૂપાળા શરમાઇને બેઠા રહ્યા!" નીમ્યાએ પતિ બેઠો હતો તે તરફ આંખો કરી.

"પણ હવે તું કરે છે શું?માની દુકાને બેસતી નથી?"

"ના, હમણાં તો રતુબાબુ એની દુકાનેથી ચીજો આપે છે તે વેચવા મહેનત કરું છું."

"તું ફિક્કી પડી ગઈ છે."

"અરે હોય કાંઈ?" નીમ્યા બ્રહ્મી નારી હતી.એનો બોલ મોળો હોય જ નહીં. "એ તો આ છોકરો ધાવે છે તેથી. બાકી તો લહેરમાં છું. બાબલો ક્યાં?"

"ઘેર નોકર પાસે."

"એમ ઘેર કંઈ મુકાય? આ જુઓને, અમારાં બધાં છોકરાં અહીં