લહેરર્થી ઊંઘે છે."
"મને શી ખબર કે આ રીતની બેઠકો હશે? હવે તું આ બધા ફો-સેંના નાચ-મરોડો શીખી લેજે હો કે? તારે પાછું કોઇક દિવસ કમળમાં નાચવું પડશે ને? હજુય નાચે કે?"
"હો-હો! ઘરડી થઈશ તોપણ નાચવું નહીં છોડું." બોલતે બોલતે એણે સઢી સમાર્યો.
"આ રઢિયાળા કેમ શાંત બેઠા છે?" હેમકુંવરબહેને નીમ્યાના સ્વામીની સૂરત પર ટકોર કરી.
"નહીં રે! બેઠા બેઠા લે'રથી સેલે (ચિરૂટ) ચસકાવે છે."
"કંઈ છે નહીં ને?"
"લવલેશ નહીં. આનંદ છે. મોજ કરીએ છીએ.
બેઉ જણાની વાતો બંધ પડી. રંગાલય પર વગર ઘૂઘરે, વગર નૂપુરે ને ઝાઝા થથેડા-લપેડા વગર ફો-સેંઈનું નૃત્ય હજારો આંખોને એક જ તારે પરોવી રહ્યું, ત્યારે મા-નીમ્યાનો પતિ કોઇ ન જાણે તેમ કલઠાંઈ(ખુરશીઓ)વાળા સમૂહમાં નજર ખુતાડી રહ્યો હતો.
બાવીશ વર્ષનો યુવાન રંગભૂમિ પર દાખલ થયો. એ ફોં-સેંઈ નહોતો, બુઢ્ઢો ફો-સેંઈ હવે સ્ટેજ પર આવતો બંધ પડ્યો હતો. આ એનો પુત્ર હતો. ચપોચપ લુંગીમાંથી એના પગ ચગવા લાગ્યા. એની સાથે રંભાઓનું વૃંદ હતું. એક પછી એક દરેકની પાસે જઈને એ કૂંડાળે સહનૃત્ય કરવા લાગ્યો. પહેલો વિરામ આવી પહોંચ્યો.
કલઠાંઈવાળા ખુરશી-બ્લોકમાં વાતો ચાલી:
"ગોથું ખવરાવી દ્યે એવું જ છે આ ફો-સેંઈનું, હો ભાઈ! વાત તો સાચી. આમાં બરમાઓનાં કલેજાં હાથ ન રહે."
"જુઓ ને જુવાનિયાં ઊઠી ઊઠીને બહાર જવા લાગ્યાં."
"સવારે આમાંથી કંઈકનાં માવતર ગોતાગોત કરશે, બીજું શું!"
"ઠીક છે ભલા આદમી! એ હિસાબે આપણને કંઈ નુકશાન નથી. એ બચ્ચાઓ લહેર માણતા હશે તો જ આપણે બે પાંદડે થશું."