પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પણ એ ક્યાં નથી હોતો!)

વિદૂષકે વઢવેડ ઊભી કરી: "નાચવાની તાકાત છે? આ મારા મૃદંગ-બજવૈયાને લગી શકે તો કહું કે તું ખરો ઈન્દ્ર છે."

"તૈયાર છું".

"મોઈ ત્વામે." (થાકી જઈશ, થાકી.)

"મમો દેબુ". (ન થાકું.)

પછી તો એ નટરાજના પગ અને મૃદંગ પરની કર-થપાટો, બેઉ વચ્ચે વેગીલી સ્પર્ધા ચાલી. નટરાજે સાંકડા લુંગી-કૂંડાળે પગની કણીએ કણીઓ કરી વેરી દીધી. મૃદંગે એ કણીઓના પણ છૂંદા બોલાવ્યા. ઇન્દ્રની છાતી શ્વાસે ભરાઇ ગઈ. એ જરીક પસીનો લૂછવા જાય ત્યાં તો વિદૂષક ચિત્કારી ઊઠે: "મોઈ ત્વારે!" (થાકી ગયો, બસ થાકી ગયો!)

"મમો દેબુ, ખીમ્યા! મમો દેબુ. (નથી થાક્યો, બાપા! નથી થાક્યો!) બજાવો મૃદંગ, ઝપટથી બજાવો."

આખા પ્રેક્ષકગણને અદ્ધર ઉપાડી લેનાર એ નૃત્ય હતું. કોઇનો શ્વાસ હાલતો નહોતો. અને તે સૌમાં વધુ થડકાર નીમ્યાના હૃદયમાં હતો. શું થશે! ઈન્દ્ર થાકી જશે ને હારી જશે તો શું? હે ફ્યા! મારામાં જે જોર હોય તે એનામાં સિંચાજો; નૃત્યનો વિજય થજો. બધું હારજો. એક નૃત્ય ન હારજો!'

-ને છેવટે મૃદંગકાર તાલ ચૂક્યો, અને પ્રેક્ષકોએ તાળીના ગડગડાટ કરી હથેળીઓ તોડી નાખી. નીમ્યાનું દિલ ફ્યાને ઝૂકી પડ્યું.