પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬

કિન્નો

રોઢિયે સુધી આ તીંજ્યાં પ્વે ચાલે. પુરુષો થાકે, પણ બ્રહ્મી સ્ત્રીઓની રસ-પિપાસા તો છેવટ સુધી અતૃપ્ત રહે. રાત્રિના ત્રણેક વાગ્યે કલઠાંઈ-મંડળ (ગુજરાતીઓ) ઊઠ્યું, તે વખતે પતિએ કહ્યું: "નીમ્યા!"

"શિંય!"(જી)

"મને તો હવે મીઠાં ઝોલાં આવે છે. હું જાઉં?"

"ભલે જાઓ. હું તો હવે ખતમ થયા વગર નહીં જ ઊઠું."

"વારુ!"

એમ કહેતો ઝડપભેર માંઉ-પૂ બહાર નીકળી ગયો અને એક અંધારા ખૂણાનો ઓથ મેળવીને એણે પોતાની ધા તૈયાર રાખી.

દાંત એણે ભીંસ્યા નહીં, એનો દેહ ધ્રૂજ્યો નહીં, એની આંખોએ ખુન્નસ ટપકાવ્યું નહીં, ફક્ત એણે પંજામાં ધાને મજબૂત પકડમાં રાખી અને લાગ લીધો. એક માણસ પસાર થયો, પાછળથી એની ગરદન પર માંઉ-પૂની ધા પડી. એક જ ઝટકે કામ ખતમ થયું.

સવારે નાટકની સમાપ્તિ થયા પછી બાળકને પીઠ પર બાંધી લઈ, અને ચટાઈ બલોશિયું બગલમાં મારીને નીમ્યા થાકેલ પગલે ઘેર ચાલી જતી હતી. રસ્તે એણે પોલીસ અને લોકોનું ટોળું જોયું. કૂંડાળાની વચ્ચે કાંઈક તમાશાની બાબત હશે જાણી એ નજીક પેઠી. પણ જે જોયું તેથી એની છાતી ધડકી ઊઠી. આ તો પેલા શાંતિદાસ ઝવેરીના મોટા મહેતાજીનું જ મુડદું ! બે જ દિવસ પર એણે સોનાનાં ઘરેણાં બાબત તકરાર કરીને પતિને 'ચભોજી' અને 'તખો' કહી અપમાનેલો, અને પતિએ કહેલ કે 'મખાં નાંઈ બૂ'. તો શું પતિએ જ આ કાળું કર્મ અક્ર્યું હશે? પોતે ચકળવકળ જોઈ રહી. અનેક માણસોની આંખો એના પર પડી. પોતાને લાગ્યું કે એ આંખોમાં શંકા ભરી છે. પોતે ઉતાવળે સરકી ગઈ. વારંવાર પાછળ જોતી હતી. જાણે દરેક માણસ પોતાની પાછળ