પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઠોકતો બોલાવે કે 'નીમ્યા એ...!' એટલે સામો 'શિંય'(જી) એવો ટહુકો પડ્યો જ હોય, દાદર પર ફના (ચંપલ) સરકી જ હોય, અને શાંતિથી દ્વાર ઊઘડ્યાં જ હોય. બીજી વાર કદી સાદ કરવો ન પડે, અને બીજો કોઈ શબ્દ તે બાદ પણ સંભળાય નહીં. નિઃસ્તબ્ધ રાત્રિના નિર્જન પહોરે બસ એ જ ટહુકો અને એ જ પડઘો:

"નીમ્યા એ...!"

"શિંય !"

પાડોશીઓએ બીજું કશું કદી સાંભળ્યું નહીં, આવા તો મહિનાઓ પર મહિનાઓ ગયા. રાતે બાળક ઊંઘી ગયું હોય તો પોતે બેઠી બેઠી પતિનાં ફાટેલ કપડાં સાંધવાનું પ્રત્યેક બ્રહ્મી નારીનું પાંચમું કર્તવ્ય બજાવ્યા જ કરતી હોય.

બીજું એક સુખ આ બ્રહ્મી સમાજમાં એ હતું, કે કોઈ પણ સગુંસાગવી કે પાડોશી આવીને એવી આધીપાછી નહીં કરે, કે તારો વર અમુક કાકા(મલબારી)ની હોટલમાં ગપ્પાં ટીચતો હતો અથવા અમુક કોઈ બેઆબરૂદાર ગલીમાં રાતે રઝળતો હતો.

કોઈ જો આવતું તો તે હેમકુંવરબેન. એમને નીમ્યાના દેહની દશા દેખી ઊંડું લાગી આવતું. અને બેકાર પુરુષનું ઘેર બેઠા રહેવું, પોતે કાઠિયાવાડી હોવાથી, એને ખૂબ ખટકતું. એણે બે વાર ટાકોર પણ કરી કે એ તદ્દન બેઠો શું રહે છે? તારી એને દયા નથી આવતી? આવે ડૉક્ટર પાસે, તો હું એને કશાક કામે લગાડી દઉં. અને રાતે તો તારે એને બહાર ભટકતો અટકાવવો જ જોઈએ. તું તો બ્રહ્મી સ્ત્રી છે, અમારા જેવી પરવશ નથી."

"સાચું," નીમ્યાએ જવાબ વાળ્યો; અમારી સ્ત્રી તરીકેની સ્વતંત્રતાની એ જ ખૂબી છે. અમે પરણતાં પહેલાં ગમે તેને પસંદ કરીએ, માબાપની સામે બંડ કરી ઊભાં રહીએ; પણ લગ્ન બાદ વાત જુદી બને છે. એ મારી આડે આવે તો એને હું પીંખી નાંખું. પણ તે સિવાય તો એનું મૂંગું ને પૂરું પાલન કરવાનો જ અમારો સંસ્કાર છે."