"પણ આમ ક્યાં સુધી?"
"બેમાંથી એકના મૃત્યુ સુધી."
"બહુ કહેવાય."
"તમને કેમ બહુ લાગી આવે છે? મને તો કશું જ થતું નથી."
"તારા શરીર પર એની અસર છે."
"મન પર જરીકે નથી. ને શરીર તો અમારાં કયે દા'ડે તમારા સરખાં અડીખમ ભાળ્યાં'તા!" કહેતાં નીમ્યા હસી.
"પણ આ કઈ લતે ચડી ગયો છે તે તો..."
"ચૂપ!" નીમ્યાએ નાકે આંગળી મૂકી. "એ મારો પ્રદેશ નથી. મને કશું જ યાદ કરાવશો નહીં." દરેક વાક્યે એનું હાસ્ય વિરામચિહ્નની ગરજ સારતું હતું. "હું ક્યાં જાઉં છું ને શું કરું છું એ મારો વર કદી નથી પૂછતો; તો એને એવું પૂછવાનો મારો કયો અધિકાર છે?"
"તારાં બા આવું કાંઈ નથી પૂછતાં?"
"અમારા બેની બાબતમાં બીજું કોઈ માથું મારી શકે જ નહીં. એ અમારો કુલચાર છે."
હેમકુંવરબહેન અને ડૉ. નૌતમ વચ્ચે આ વિશે રાતના વાળુ પછી લંબાણથી વાતો થતી. ડૉ. નૌતમ એક જ સાર કાઢતા, કે જે પ્રજા જે રીતે પોતાના જીવનની ગડ્ય બેસાડતી હોય, તેને તે રસ્તેથી પગલું પણ ચુકાવવાનો આપણો હક નથી. હક તો નથી, પણ એમાં એ પ્રજાનું હિત પણ નથી. પરિવર્તન કદી આવવાનું હશે તો એના ને એનામાંથી જ કોઈક ક્રાંતિ જાગશે. આપણે તો આપણો એક પણ વિચાર એમના દોષમાં સુધારો કરવારૂપે એને કાને નાખવો જ નહીં."
"પણ આ ભાયડો..."
"જો ઘેલી ! ધાર કે એ ગાંડો અથવા અપંગ હોત તો?"
"તો પત્નીએ એને પાળવો પડત."
"ત્યારે એમ જ સમજવું કે મનપ્રાણનાં પણ ગાંડપણા હોય છે."