"પણ આ તો આખી પ્રજાનું ગાંડપણ છે."
"હા, તો એ લોકો પોતાના સમગ્ર પુરુષવર્ગને ક્યાં ગોરાઓની કે ગુજરાતીની ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવાં ગયાં છે? એ કરતાં તો, ઓરતજાત પોતે જ જો અહીં વધુ બળશાળી, વહુ સ્વતંત્ર, અને આર્થિક રીતે સ્વાલવંબી છે, તો તેની ફરજ છે કે નબળી મરદ જાતનું પાલન કરવું."
"પણ કોઈ દિવસ એને ભાન પણ ન કરાવવું?"
"કહું છું કે ના. જે દિવસ આ પુરુષોને એ ભાન થશે, તે દિવસ સ્ત્રીઓની સ્વતંત્રતા પણ તૂટી પડશે. હમણાં જે રળે છે તેનો જ હાથ માથે રહી શકે છે. બાકી હું તને કહું? હું જો તને પરણ્યા પહેલાં આંહીં આવ્યો હોત તો આંહીંની જ એકાદ રળતી વહુનો વર બનીને હળવોફૂલ રહેત."
"હજુય કરોને અડપ ! શું બગડી ગયું છે?"
"તને તો દી-કઢણો ને રળી દેનારો આ મળી ગયો એટલે એમ જ કહેને !" એમ કહેતાં એણે પાસે સૂતેલા બાબલાનો બરડો થાબડ્યો.
"સ્વાદ નહીં આવે સ્વાદ, બાઈડીનું રળ્યું ખાવામાં."
"તને મારું રળ્યું ખાવામાં જરીકે ઓછો સ્વાદ આવતો જોતો નથી. રળી બતાવ ને બાઈ, પછી જો, કે કેવા સ્વાદથી બેઠો બેઠો દિવસો ગાળું છું. સાઉં કહું છું. ઓછામાં ઓછા સાત જન્મોનો તો થાક લાગ્યો છે. તારા ગળાના સોગંદ." એમ કહેતાં એણે એ સોગંદનું સાક્ષાત સ્વરૂપ ગળે હાથ મૂકીને સરજાવ્યું.
"જોયું ને ! રળી ખવરાવનાર છો એટલે કે?" એમ કહીને હાથણીએ પોતાની બેઉ સૂંઢોનો પતિને ગળે હાર પહેરાવ્યો.
આમ આ નાનકડું બાબુ-કુટુંબ જ્યારે સુખ-સોડમાં સૂતું હતું, તે વખતે પીમનાના એક ફૂટપાથ પર નાનકડો બનાવ બની રહ્યો હતો.
એક ચીનો દુરિયાન વેચતો બેઠો હતો. દુરિયાન એક ખાસ એકલા બ્રહ્મદેશનું જ વિશિષ્ટ પ્રકારનું ફળ છે. એનું કદ નાળિયેર જેવું, ને એનું બહારનું કલેવર બરાબર શેળા જેવું કાંટાદાર! એને ચીરીને ખોલો એટલે