પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નીમ્યાના નેત્રોમાંથી ચુપચાપ પાણી દડવા લાગ્યાં. બે જ દિવસ પર પતિ એના સારુ ને બાળક સારુ નવીનકોર વસ્તુઓ લાવ્યો હતો. કહેતો કે પોતાને સારી નોકરી મળી છે!

પોતે એ નવાં આભરણો પહેર્યાં નહોતાં. પોતે તો બેઠી બેથી લગ્નજીવનનું પાંચમું કર્તવ્ય કર્યા જ કરતી હતી: પતિનાં ફાટેલાં વસ્ત્રો સાંધી-તૂની, ધોઈ-ધફોઈ, ગડીઓ પાડી આલમારીમાં મૂકવાનું કામ.

પોલીસ પૂરી તપાસ કરીને ચાલી ગઈ. પછી પોતે એકલી ઘરનાં બાર બીડીને ઘૂંટણભર બેઠી બેઠી રડતાં રડતાં એક જ વાક્ય બોલતી હતી: 'મખાં નાંઈ બૂ : મખાં નાંઈ બૂ!' (મારાથી આ સહન નથી થતું. ઓહ ! સહન નથી થતું.)

પતિ મોડી રાતે ઘેર આવતો હતો, કેમ બેકાર બેઠો બેઠો સેલે ફૂંકતો, કેમ બહુ બોલતો પણ નહીં, તેનું રહસ્ય હવે સમજાયું, શાંતિદાસ શેઠના મહેતાનું ખૂન કર્યા પછી એની ધા અસૂરી વેળાના કલીકમા તરફ વળી ગઈ હતી. એનો બ્રહ્મી સ્વભાવ પુરબહારમાં ખીલી ઊઠ્યો હતો. થોડા નુંપેઝા (રૂપિયા) તો ઠીક, પણ થોડા ટાભ્યા (પૈસા)ની લાલચ પણ એને મારફાડને માર્ગે લઈ જતી હતી.

થોડું રડી લીધું વધુ રડવાની વેળા નહોતી. વળતા દિવસે જ્યારે એની માતા ઢો-સ્વે મળવા આવી ત્યારે તો પોતે કાગળાનાં ફૂલો બનાવીને વેચવા બજારે ચાલી ગઈ હતી. મા બજારે ગઈ, થોડી મિનિટમાં જ મા-દીકરીના વિલાપ, આશ્વાસન, વગેરે પતી ગયું. વધુ સમય વેડફવાની વેળા નહોતી. દુનિયાદારીની જંજાળો જો માનવીનું લક્ષ રોકી લેવા ઊભી ન થઈ હોત તો માણસ દુઃખને કયે દા'ડે વિસારે પાડી શકત!

હેમકુંવરબહેન નીમ્યાને ઘેર આવ્યાં ત્યારે એણે આ કુટુંબના રંગઢંગમાં કોઈ મહાન વિપત્તિનાં બાહ્ય ચિહ્‌ન કશે નિહાળ્યાં નહીં. ઘર એવું જ ચોખ્ખુંફૂલ હતું. સઢોંઉનો શણગાર અને અંબોડાનાં પુષ્પો આબાદ હતાં. તનાખાનો ચંદન-લેપ નીમ્યાની ચામડીને છોડી નહોતો ગયો.