પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધુ બીના પૂછી પણ નહીં. મતલબ કે વેદનાના બળત ઈંધણાને એણે અંદર ઉતાર્યું.

ડૉ. નૌતમની સારવાર બર આવી નહીં.

એક સવારે ડૉ. નૌતમને ઘેર માણસ આવીને એટલું જ કહી ગયો: "સોનાંકાકીના સ્વામી શૌંબી" (દેવ થયા). રતુભાઈને ઘેર પણ એ કહેણ પહોંચ્યું હતું. ડૉ. નૌતમ હેમકુંવર અને રતુભાઈને લઈ શોક દાખવવા પહોંચ્યા.

ઘરના ચોગાનમાં એક તંબૂ ઊભો કરીને અંદર લાંબી નવી પેટી મૂકવામાં આવી હતી. આ પેટીમાં શબને સૂવાર્યું હતું, હવા ન પેસી જાય તેવા બંદોબસ્ત સાથે પેટી પૅક કરી હતી. પેટી ઉપર ગુજરાતી કુટુંબે પુષ્પો મૂક્યાં.

મૃત્યુને ચોવીસેક કલાક થઈ ગયા હતા. એક તરફ ખાંઉ [૧] (શબની પેટી) બનતી ગઈ ને બીજી તરફ શબને સુગંધી જળે નવરાવી-ધોવરાવી નવાં વસ્ત્રો પહેરાવી તૈયાર કર્યું. પિતાના પગને અંગૂઠે નીમ્યાન વાળની લટો તોડીને બાંધવામાં આવી. એ કલાકોમાં જેને રડવું હતું તેણે રડી પણ લીધું હતું.

નજીક ચોગાનમાં તંતુવાદ્ય વગડતાં હતાં. વગાડનારાં બ્રહ્મી સગાંવહાલાં હતાં. સૂરો મૃત્યુના અવસરને અનુરૂપ હતા. બીજા કેટલાક બેઠા બેઠા કાંઈ ખાતા હતા, કાંઈ પીતા હતા, કેટલાંક ગંજીફો પણ ટીપતા હતા, જુગાર પણ ખેલાતો હતો, દારૂ પીવાનો વાંધો નહોતો. કોઈ પણ વાતે એમ સમજવાનો યત્ન હતો કે મૃત્યુ એ કોઈ અણધાર્યો અસાધારણ બનાવ નથી; મૃત્યુ પણ રોજિંદા જીવન જેવો, ખાવા ને પીવા જેવો ખેલવા ને ખુશી થવા જેવો બનાવ હતો.

પરસાળમાં બીજા બેઠા હતા ત્યાં ડૉ. નૌતમ ને રતુભાઈએ બેસીને ખરખરો કર્યો. ઘરવાળાઓએ જવાબ વાળ્યો કે 'ફ્યા લોજીંદે લુ, ધી

  1. ખાલી પેટીને તીત્તા અથવા તીટા કહે છે