"હીરાકંઠી તમે ચૂલાની આગોણમાં દાટી છે તે વળી - બીજી કઈ, કાકીજી ! એ વખતસર વટાવી હોત તો આ દશા ન થાત તમારા શિવાની."
"પણ શી દશા થઈ છે, માડી?" મા વધૌને વધુ ચમકતી હતી. પણ એના હાથમાં માળા હતી. મન બોલ્યું કે 'ઘેલી ! મહાદેવને ઊઠાં ભણાવવાં છે ? માળા કરતી વખતે પણ મનને સમતામાં નથી રહેવા દેવું? શીદ મને છીપર માથે લૂગડાં પછાડે તેમ પછાડી રહી છો?' શરમિંદી બનીને ડોશી પાછાં મણકા જોરથી ચલાવવા લાગ્યા, અને વાત કહેનારને વધુ પૂછતાં અટક્યાં. કહેશે એને કહેવું હશે તો !
" આ લ્યોને ત્યારે કહી નાખું, નરબદા કાકીજી ! તમારે શિવે તો ત્યાં ઘર કર્યું એક બરમણ્ય જોડે."
માળાના પારા ઘડીભર બંધ રહી ગયા. પછી નરબદા ડોશીને મનમાં કોઈ ગડ બેસી ગઈ હોય તેમ તેણે પાછી માળા ચાલુ કરી.
"ઠીક, એ તો ઠેકાણાસર થઈ ગયો. પણ્ આ ભાઈશંકર અને લખમો આવ્યા તે કહે છે એ તો બહુ બૂરું, કાકીજી !"
"શું કહે છે, બે'ન?"
"કહે છે કે ત્યાં તો બરમણ્ય માછલાં રાંધી આપે છે ને તમારો શિવો એ ખાય છે."
"હશે બાઈ! મહાદેવજી જાણે શું સાચું હશે. છોકરાને કોઈ બામણે દીકરી દીધી હોત તો હું નિરાંતવી ન્યાતમાં પડી રે'ત, બે'ન !"
"હા કાકીજી, હવે તો ન્યાતનેય વિચાર પડતી વાત થઈને!"
"મા'દેવજીએ ધાર્યું હશે એ થશે, બેન ! આપણે શું કરશું?"
આમ માળાની સમાપ્તિ થતાં સુધી નરબદા ડોશીએ વાતને પચાવ્યે જ રાખી, પણ વાત કરનાર આ પાડોશણના ગયા પછી એના અંતરમાં યુગો ને યુગો ભડકે બળવા લાગ્યા.
બીજું તો ઠીક, પણ મારા શિવને છોકરાં થશે તેનાં પરણમરણનું શું થશે ! અને આ બરમી બાયડી મારા શિવને સાચવશે કેટલા દી! એ