પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો ધંધોરોજગાર કરનારી બાયડીઓ હોય છે. એના ધણીઓ તો બાપડા ઘેર ઢોરાં જેવાં ને ગુલામ જેવા થઈ છોકરાં રમાડવા ને રસોઈપાણી કરવા રહેતા હોય છે. મારો શિવ શું ઘરની સંજવારી કાઢતો હશે? બાયડીનાં લૂગડાં ધોતો હશે? છોકરાના ઘોડિયાની દોરી તાણવા બેસશે? અને શું એને એની બાયડી ધમકાવતી હશે? કોને ખબર મારતીયે હશે?

સાંભળ્યું હતું ઘણું ઘણું કે આંહીં આપણા દેશમાં જે શાસન પુરુષો સ્ત્રી પર ચલાવતા હોય છે, તે જ શાસન ત્યાં બ્રહ્મદેશમાં સ્ત્રીઓ પુરુષો પર ચલાવે છે. જ્ઞાન અને માહિતી દ્વારા એમણે પોતાના શિવની દુર્દશા કલ્પી.

બાયડી બીડી કે હોકો પીતી પીતી ખુરશી પર બેઠી હશે અને શિવ શું એના પગ તળાંસતો બેઠો હશે ! કે ઊભો ઊભો રસોઈ કેમ બગડી તેનો ઠપકો સાંભળતો હશે !

પોતે ન્યાતબહાર થવાની છે તેનો વિચાર તો ઝપટમાં આવીને પસાર થઈ ગયો. પોતાનું અમંગળ કલ્પવા એ થોભી જ નહીં. પોતાનામાંથી નહીં, પણ પોતાના સંતાનના સારામાઠા ભાવિમાંથી જ જીવનનો શ્વાસ ખેંચનારી આ હિંદુ નારી આકુળવ્યાકુળ બની ઊઠી, આખી રાત એણે ગૂણપાટના કોથળા પર પડખાં બદલ બદલ જ કર્યા કર્યું.

પ્રભાતે ઊઠીને એણે શિવાલયે જઈને છાનાંમાનાં મહાદેવજીને પૂછ્યું : "હે મારા દેવાધિદેવ ! તમે કહો એમ કરું. તમે હસીને જવાબ વાળો, તો હું શિવની પાસે પહોંચું. તમારી પોતાની જેવી ઇચ્છા હોય તેવું જ મને જણાવજો, મારી સ્વાર્થી વૃત્તિને લક્ષમાં લેશો નહીં, દાદા!"

તુરત એને મહાદેવનું સફેદ બાણ વધુ પ્રકાશિત લાગ્યું હતું. પણ રખે પોતે ખોટી હોય એમ વિચારીને એણે પૂજારીને પણ પૂછી જોયું : "આંઈ તો જુઓ, લાલગરજી મા'રાજ! આજ તો શિવનું બાણ હસી રહ્યું હોય એમ તમને નથી લાગતું ? મારો દેવ મોં મલકાવીને જાણે કે મારી મનીષાનો જવાબ વાળી રહ્યો છે."