પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કોણ છે?"

"બર્મી તો નથી. લાગે છે તમારા દેશની."

સાંભળીને શિવ ચમક્યો, અને એના સાતેક ગુજરાતી સાથીઓએ ચોપડામાંથી માથું ઊંચું કરીને પરસ્પર જોયું.

"કેમ શિવુભાઈ!" એક જણે કહ્યું, "દેશમાં કોઈ વીસનો'રી વસાવીને તો નો'તા આવ્યા ને? એણે તો તમારો પીછો નથી લીધો ને?"

વીસનો'રી એટલે વીસ નહોરવાળી, અર્થાત્ વાઘણ જેવી પત્ની. કાઠિયાવાડમાં કોઈ પરણે તેને એમ કહેવાય કે "ભાઈ, એને તો હવે વીસનો'રી વળગી!"

"કેવડીક છે બાઈ?" શિવે અકળાઈને પૂછ્યું.

"જુવાન જેવાં લાગે છે."

મૂંઝાયેલો શિવ મશ્કરીની શરવૃષ્ટિએ વીંધતો બહાર નીકળ્યો. જઈને જુએ તો બગલમાં નાનું પોટકું લઈને બાઈ ઊભેલી. વસ્ત્રો સંકોડીને ઊભી હતી. માથે વાળ હતા, પણ સેંથો પાડીને સરખા ઓળ્યા નહોતા. જોનારને સહેજમાં જણાઈ આવે કે એ કેશ મૂળ તો કાળાભમ્મર હશે, પણ થોડીક ધોળી લટો ત્યાં ધસારો કરીને ધીરે ધીરે પેસી જઈને પોતાનું અરધું પરિબળ જમાવી બેઠી હશે. કાબરચીતરા કેશનુંયે એક અનોખું રૂપ હોય છે. ઘણા થોડાને જ એ રૂપની સરત રહે છે.

એ જ પ્રમાણે એ મોંનો ઘાટ, ચામડીનો વર્ણ, આંખોનો આકાર અને ડોળાનો પ્રકાશ, - આ બધાં અંગોની શોભા એવી હતી કે જોનારને ભૂતકાળમાં જ લઈ જઈ એવા ભણકારા જગાવે કે આ સ્ત્રી એક વાર બહુ રૂપાળી હશે. એ ભણકારા જોનારાના મનને વિશે વર્તમાન રૂપના અવશેષના કરતાં ભૂતકાળનું વધુ આકર્ષણ ને કૌતુક ઝણેણાવી રહે, એવી એ બાઈ હતી.

એ વિધવા પણ નહોતી, તેમ સધવા પણ નહોતી. રંડાપો અને સુહાગપણું, બે વચ્ચે એક એવી સ્થિતિ છે કે જેને નિરાળું નિજત્વ છે.

નજીક આવ્યા પછી જ શિવે ઓળખી. એ સ્ત્રી એટલું જ બોલી: