પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બધાં બોલીને તો વ્યવહાર કરી શકતાં નહોતાં. પણ એમની આંખો અને એમનાં હાસ્ય પરસ્પર પિછાન કરતાં હતાં. પોશાકનો ભેદ, વાચાનું અજાણપણું, કશું જ તેમનામાં રહેલા સામાન્ય સ્ત્રીપણાના સુમેળ વચ્ચે વિક્ષેપ કરી શકતું નહોતું. બહેનના કાબરચીતરા કેશ એની ફાટેલ સાડીનાં ફાકાં વચ્ચેથી આ બ્રહ્મી સ્ત્રીઓને કહી રહ્યા હતા કે એક વાર અમેય તમારા વાળ જેવા જ લાંબા, સુઘટ્ટ અને કાજળઘેરા હતા; અને એક દિવસ તો અમે પણ નવાનગરની ફૂલવાડીનાં ફૂલડાં રાત્રીના એકાંતમાં સજતાં હતાં. એક દિવસ જોબન હતું, મલકાટ હતા, ઉન્માદ હતો, આશા હતી, નીલામ્બર અમારે શિર હતું, ને નાગમતી નદીનાં નીર અમારી ઉનાળાની કંઈ સમીસાજોની પથારી હતાં.

ભાઈ પાછળ ચાલી નીકળતી બહેને એ સૌને બે હાથ જોડી નમન કર્યા ને પેલા ડોકિયાં કરતા કાબરા કેશની લટોએ આ બ્રહ્મી સ્ત્રીઓના સઢોંઉ પાસેથી જડાઉં ભીં (કાંસકી) પણ મૂંગી મૂંગી માંગ્યા કરી.

"કેવું ભરાવદાર શરીર છે!" મિલમાં જતી મજૂરણોએ અંદર અંદર વાતો કરી, અને ઊપસેલી, છોળો દેતી છાતી તેમના ખાસ વિચારનો વિષય બની.

"તું એમ ને એમ ચાલી આવી!" રસ્તે ભાઈએ બહેન સામું જોયા વગર જ કાંઈક ઊધડી લેવા માંડી.

"તને ઓચિંતો જોવો હતો." દુઃખો, અપમાનો અને છેલ્લી પતિના પરિત્યાગથી રીઢી બનેલી બહેન વિનોદ ઉડાડવા લાગી.

"પણ આંહીં-આંહીં અમારી કેવી દશા હોય... અમે કેમ કરીને માંડ ઠેકાણે પડ્યા હોઈએ..."સિવશંકર તૂટક તૂટક બોલતો હતો.

"ગાંડા!" બહેને કહ્યું, "કેવીક દશા ને શી વાત છે! સંસારમાં એ તો થતું જ આવે છે. તું ગભરાઈ શીદ જાય છે? આપણે કાંઈ ચોરલબાડી થોડી કરી છે?"

"પણ પહેલેથી મને જણાવ્યું હોત તો બધું પાકે પાયે કરીને કાગળ લખત, ખરચી મોકલત. આમ ભિખારી જેવી ચાલી આવી?"