પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શારદા શાંત રહી. એને ભાઈના આ બોલ જરીકે ભોંકાયા નહીં. કારણ કે એ તો પેલા ઊંટ જેવી હતી. પીઠ પર નગારાં વાગી ગયાં હોય તેને ખેતરવાળો થાળી વગાડીને થોડો નસાડી શકે છે !

ઘેર પહોંચ્યા પછી ભાઈ એને કહે કે, "તું આંહીં પરસાળમા બેસ, હું અંદર જઈને વાત કરું છું."

"લે, રાખ રાખ, ગાંડા ! હું જ અંદર નહીં જાઉં? હું કાંઈ મે'માન છું કે અજાણી થોડી છું ? ચાલ, મારી સાથે, નહીં તો મને ભાષા કોણ સમજાવશે ?"

સીધી જ એ તો ઘોડિયા પાસે ગઈ, અને ઝૂકીને બાળકને ઊંઘતો જોયો. બોલી : "વાહ રે, ભૈ! આ તો બરાબર શિવા જેવો ને શું?" એમ કહેતાં એ મીઠડાં લેતી હતી, ત્યાં તો અંદરના કમરામાંથી બાળકની માતા આવી પહોંચી. મીઠડાંની ક્રિયા કરતી અજાણી સ્ત્રીને એણે પહેલી જ વાર ઘરમાં દીઠી. પોતે તે ક્ષણે નખશિખ પૂર્ણ બ્રહ્મી સજાવટ કરી હતી. બાગ જેવી મઘમઘતી હતી. ગરદન પરથી પવા (દુપટ્ટા)ના બેઉ છેડા સાથળ પર ઝૂલતા હતા.

"આ!" શારદુએ ભાઈને ભયથી પૂછ્યું.

"હા!" શિવ બીકથી એક જ અક્ષર બોલ્યો.

"ભાભી!" કહેતી જ શારદુ બ્રહ્મી નારી તરફ વળી. થોડી વાર થંભી. પછી એના મોં પર મલકાટ છવાયો, શાંત ઊભેલી બર્મીના મોં પર પણ એ મલકાટનાં પ્રતિબિમ્બો પડ્યાં. શારદુ જરાક નજીક ચાલી અને એણે પોતે ભાઈની પત્નીને ખભે હાથ મૂક્યો.

શારદુ કાઠે ઊંચી હતી. ઉપલાં વર્ણોમાં આવાં કદાવર ગજાં કાઠિયાવાડમાં હવે વિરલ બન્યાં છે. ગજાદાર શારદુનો હાથ પોતાની સામે પોતાના ખંભા સુધી જ થતી પાતળી બર્મીના આખા બરડા પર રેલાઈ ગયો. અને પછી હાથ માથા પર ચડ્યો. અંબોડાનાં ફૂલોને અડ્યો. ફૂલ એણે ભાઈની વહુના શિર પર સરખાં કર્યાં ને કહ્યું: "હં-અં ને ! છે તો અસલ કામરૂ ને શું?"