પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝૂકી. અને પછી એ જ સ્થિતિમાં બેસી રહીને પોતે કુમાશથી મુખવાસ તૈયાર કર્યો. સામે બેઠેલ શારદાનું શરીર પહોળી પલાંઠીએ સુંદર લાગતું હતું. પોતાની સામે કોઈ મંદિરની મૂર્તિ સમક્ષ બેઠેલ ભક્ત સમી ઝૂકેલી આ સ્ત્રી શારદાને પોતાનાથી જુદી છતાં પોતાના જેવી જ લાગી. મનુષ્યની લાગણી સર્વત્ર એવી હોય છે. પોતાનાથી જુદા દેશનું વાસી આટલું નિકટ આવે ત્યારે મનનો આનંદ કૌતુકમાં ભીંજાઈ છલછલ બને, પલેપલ નવીનતામાં પ્રવેશતાં હોઈએ એવું ભાસે, સ્વપ્ન સ્વપ્ન લાગે, અને રખે આ બધું ખોટું પડે એવી ફિકર થાય.

ભાઈએ બહેનને સમજ પાડી: "એ બજારે જાય છે."

"તે ભલે ને જાય. તમે પણ બે ઘડી પછી જાવ, એમને કામ હશે તે કરી આવવા દો."

સ્ત્રીને જે કામે જવું હતું તે જણાવતાં શિવશંકર શરમાયો. ખુદ સ્ત્રીએ કહ્યું: "મેં જાતી થી દુકાન પર. મેરી દુકાન."

"ભલે જાનાં! અમ ભાણાકું રખુંગી." શારદાએ ઘોડિયા તરફ આંગળી બતાવીને રજા આપી. અને આવી રૂપાળી ભાભી બજારમાં દુકાને બેસી સેંકડો પુરુષો સાથે વેપાર કરતી હશે એવો એક વિચાર પોષ માસના પવનના એક જ સુસવાટા સમો એના મગજને ધ્રુજાવી ચાલ્યો ગયો ત્યાં તો સ્ત્રીએ કહ્યું: "નહીં, પીછે. આપ નહા લો." એમ કરતી પોતે નહાવાની ઓરડીમાં જઈ બાલદી સરખી ગોઠવી, પાણીની ચકલી ઉઘાડી આપી અને બચકીમાંથી શારદા પોતાનાં કપડાં કાઢે તે પૂર્વે તો એણે પોતે જે પહેરતી તે સાડીઓમાંથી એક સારી જોઈને ત્યાં ધરી દીધી.પછી શિવ પરસાળમાં જતાં પોતે નણંદને સહેજ સ્મિત કરીને ધીરે સમજાવ્યું કે "મારાં પોલકાં તો તમને બહુ જ ટૂંકાં પડશે. શું કરું!"

"હાય હાય ! આ તો જો ! નજર તો જો, ઝીણી નજર ! મારા શરીરનો બાંધો પણ નજરમાં રાખી લીધો." એમ આશ્ચર્ય અનુભવતી શારદુએ પોતાના દેહ પરનો કમ્મરથી ઉપલો ભાગ મનમાં નિહાળ્યો