પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમાચાર લેજે. હું બાના અંત્યેષ્ટિસંસ્કાર માંડ પૂરા કરાવી, માણાવદર જઈ ખોરડું વગેરે સંભાળી કરી, પછી આંહીં આવી. તને લખવાની વેળા જ નહોતી. ભાઈ! એ બાપડી તો જવા જોગ હતી, પણ તારું સુખ જોયા વગર તારું દુ:ખ કલ્પતી જ ચાલી ગઈ."

થોડી વારની શાંતિ બાદ બેઉનાં નયણાં શ્રાવણ-ભાદરવો વરસાવી રહ્યાં. અને પછી સહજ પોકાર પણ શિવના ગળામાં ઘૂંટાઈ ગયો.

પોતે સ્નાન કર્યું. બહેને પણ નહાઈ લીધું. બેઉ બેઠાં બેઠાં વાતો કરવા લાગ્યાં. બહેને ભાઈના ઘરમાં ચોમેર, ચીજેચીજ, વસત ને વાનાં, ગોઠવણ ને સજાવટ, રાચ અને રચીલું નિહાળી નિહાળીને કહ્યું : "બાને બાપડીને આ સાચી ખબર પડી હોત ને, તો સદ્‍ગતિએ જાત. એ તો કહેતી ને, કે ન્યાત ગઈ ચૂલામાં, મારો શિવ ગમે તે ઠેકાણે પરણી લ્યે તો હાંઉં, ગંગ નાયાં. પાંચ-દસ ઘડીમાં જ અહીંની પરખ મને તો થઈ ગઈ ! રૂપાળું છે, ભઈલા ! આફૂડાં વહાલાં લાગે તેવાં છે. વળી ધંધો પણ કરે છે !"

"નહીંતર મારી ત્રીસ રૂપરડીમાં તો શું પૂરું થવાનું હતું!" શિવે સ્ફોટ કર્યો.

"ત્રીસ જ મળે છે, એમ ને !"

"ત્યારે ! પણ એય આ કદી માગે નહીં. કહે કે તમે તમારે ખરચો, જોઈએ તો દેશમાં મોકલો."

"ત્યારે ઘરવહેવાર તો એ ચલાવે, એમ ના ?"

"નહીં ત્યારે ? એક ઘડીય નવરી ન બેસે. ચીજો પોતે બનાવે, મજૂરો રાખીને બનાવરાવે, ને દુકાન રાખીને વેચે."

"તો તું નોકરી શીદને કરછ? એના ધંધામાં જ ભળી જા ને?"

"એ કહે છે કે નહીં, તમારે પુરુષને અમારા આંહીના બરમા પુરુષ જેવા પરવશ ન બનવું. તમે મારા ધંધામાં આવશો તો મારા નોકર જેવા બની જશો. એ તો કહે કે તમે નવરા બેઠા રહો તો પણ હું એકલી કમાઈ કાઢીશ. પણ નવરો બેઠો નખોદ વાળે. બરમા પુરુષોના જેવું