પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આપણે નથી કરવું."

"એ તો સાચી વાત, હો ભાઈ! તો તો એ બહુ સમજુ કહેવાય."

"હું દુકાને જઈને અમસ્તો બેસું, તો તેટલી વાર પોતે ઊભી ઊભી જ કામ કરવાની."

"હેં ભૈ ! એક વાત પૂછું? આ બાઈઓ બીડી પીવે?"

"હા, નાનીમોટી બધી જ બીડી પીવે. પણ ખરું જોતાં એ બીડી જ નથી. શારદુ ! એમાં તમાકુ જેવું કાંઈ જ હોતું નથી. મોં ચોખ્ખું રાખવાનો જ ઉદ્દેશ મૂળ તો હશે. આપણાં બૈરાં ભાંગ ઘસે છે ના, એના જેવું."

આમ બાના મૃત્યુનો પ્રસંગ થોડી ઘડી બીજી વાતો આડે ઢાંક્યો ત્યાં તો ભાભી પાછી આવી પહોંચી. તેણે બેઉનાં મોં રડેલાં દીઠાં. પણ એકાએક કશું ન બોલતાં ઘરમાં જઈ કપડાં બદલી ગુજરાતી પોશાક પહેરી લઈ, અંબોડો પણ સેંથા વગરનો હતો તેને બદલે સેંથો પાડી, પોતે બહાર આવીને બેસી જઈને પતિને કહ્યું : "તમે હવે જઈ શકો છો." એ ગયા પછી પછી પોતે મહેમાનને પૂછ્યું : "ક્યોં રોયે હેં?"

"મા મર ગઈ." શારદાની આંખો પલળી.

થોડી વાર બ્રહ્મી ભાભીએ મૃત્યુના માનમાં મૌન પાળ્યું. પછી પોતે પૂછ્યું : "યહાં-ક્યોં નહીં-આઈ, મા? બહુત-દફા ઇનકો કહા થા. તુમારી - તો માલૂમ-ભી નહીં-થી."

ભાઈએ જ વાત છુપાવી રાખી છે એવું શારદુને લાગતાં તે કંઈ બોલી ન શકી.

"શૌંબી હો ગઈ માતા ! ફ્યા કો જરૂર પડી. યહાં કૈસે રહ સકે?" ભોજાઈ દિલાસો દેવા લાગી.

શારદુના હૈયામાં નવા કુતૂહલે એવા ઘુઘવાટા આદરી દીધા હતા કે એને માતાનું મૃત્યુ જલદી ભૂલી જવાની જ ઇચ્છા થઈ. એણે તો આ બાઈને જ જોયા કર્યું. મનમાં થતું હતું કે આને અંબોડે અડી લઉં! પગનાં તળિયાંને સ્પર્શ કરું ! નાક ચીબું છે તે ખેંચીને જરા બહાર કાઢું !