પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રચલિત મીઠું વાક્ય બોલીને મા-હ્‌લાએ પોતાના એકના એક પ્રશંસક ગરવા ગુજરાતીને સત્કાર્યો. પછી રતુભાઈ પાસેની સોનાની ને ઇમિટેશન હીરાની પેટી ખુલ્લી થઈ.

શારદા તો ક્યારની અંદર રસોડાના કમરામાં ભરાઈ બેઠી હતી. નણંદ-ભોજાઈ વચ્ચે ત્યાં રકઝક ચાલતી હતી. ભાભી બહેનને હાથ ઝાલીને બહાર ખેંચી લાવવા વ્યર્થ યત્ન કરતી હતી. શારદા શરીરથી સાચી સોરઠિયાણી હતી. એનું શરીર ભર્યું ભર્યું તો મૂળથી જ હતું. એમાં પાછું ઇરાવદી જેવી ભાભીએ કાયામાં સે પૂરી હતી.

"મેં કાંડું પકડ્યું છે, તેમાં શેનું લાલચોળ થઈ જાય છે, બહિન" એવા શબ્દો ભાભી નણંદને હિંદીમાં કહેતી હતી.

"નહીં, હિંદી નહીં; એનું એ બર્મીમાં બોલો." એમ કહેતી શારદુ ભાભીને મીઠી બર્મી ભાષામાં બોલવાની ફરજ પાડતી હતી.

"નહીં બોલુંગી."

"તો નહીં આવુંગી. કાયદો તે કાયદો."

કાયદો તો શારદુએ પોતે આવી તેના વળતા દિવસથી જ એવો દાખલ કર્યો હતો, કે ભાભી જે કાંઈ કહે તે તેણે પ્રથમ બર્મીમાં બોલીને પછી હિંદીમાં બોલવું.

"હ-પિછે-હમારી છૂપી બાત સમજનેકો મંગતી હૈ, સચ્ચ?"

"હં-હં-મનકી બાત જાણ ગઈ કે!" શારદુએ મર્મ કરેલો.

આ નિયમે શારદુને થોડા જ મહિનામાં બર્મી બોલીમાં પાવરધી કરી હતી. એને કાઠિયાવાડી બોલી બર્મી પાસે છોતાં જેવી લાગતી હતી. બર્મી તો જાણે શેરડીનાં પતીકાં !

"બહાર આવો, તો પછી બર્મી બોલીનાં કેટલાંય રહસ્યો શીખવીશ હો! એક એક શબ્દના આઠ આઠ અર્થો થાય છે. માટે કહું છું કે બહાર આવો."

"પણ શું કામ છે?"

"મારે તમને શણગારવાં છે."