પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જા રે જા, મીં નાદાન! મીં ધુતારી!" એમ કહીને મીં (તું) શબ્દનો તુંકારો કરી શારદુ ભાભીને ચીડવવા લાગી.

"એ 'મીં; તો તમારા મોંમાં વધુ મીઠો લાગે છે, પણ બોલો, શણગારનો શો વાંધો છે?"

"મારે નથી શણગારાવું. મારે વળી શણગાર શા?"

"કેમ?"

"હું તો બુઢ્ઢી થઈ ગઈ છું."

"બુઢ્ઢી ! ગાલ તો ફૂલ્યા છે, ને બુઢ્ઢી ! બુઢ્ઢી હો તો પણ શું થઈ ગયું? શું શણગાર એકલી યૌવનાનો જ ઈજારો છે?"

"કોઈ જુએ!"

"કોઈ એટલે કોણ? શું કોઈને સારુ શણગાર પહેરાય છે? હશે તમારે ત્યાં. અહીં અમે તો અમારા એકના દિલને રીઝવવા માટે પહેરીએ છીએ. ચાલો, ઊઠો, ઊઠો છો કે નહીં?

"પણ-"

"પણ બણ કાંઈ નહીં, ઊઠો"

"તમને મેં બધી વાત કરી દીધી છે."

"હા હા, ને મેં એ સાંભળી લીધી છે. તે બધી વાતોને આંહીં શી નિસ્બત છે? એ તો તમે ત્યાં મૂકીને આવ્યાં છો. અમે તો ગઈ કાલની શું, ગયા કલાકની વાતોનેયે ન સંભારીએ. ઊઠો, અમારાં ઘરેણાં તો જુઓ!"

"ના, ના"

"તો હું મારી બા ને ઘેર રહેવા ચાલી જઈશ, હો ! ને દુકાને તમને આવવા જ નહીં દઉં."

"દુકાને તો હું આવ્યા વગર જ ન રહું."

દુકાનની તો શારદુને રઢ લાગી હતી. દેશમાં દીઠી હતી, કેવળ ખોજણોને અથવા બકાલણોને દુકાનો ચલાવતી. પણ એકસામટી આલેશાન બજારો ચલાવતી પ્રભાવશાળી બરમણો તો આંહી જ આવીને