પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોત. ખેર ! જે હશે તે હશે. મારે શી પંચાત !

ઘણાં અંત:કરણો 'મારે શી પંચાત' એવું જ્યારે જ્યારે બોલ્યાં છે ત્યારે હડહડતું અસત્ય જ બોલ્યાં છે, એવી પારકી પંચાત કોણ જાણે ક્યારથી પણ પોતાની જ પંચાત બની જતી હોય છે !

શિવની સ્ત્રીએ તે દિવસે સાચેસાચ શારદુને દાગીને મઢી દીધી. રતુભાઈને એ પોતાનાં સ્નેહીસંબંધી બર્મી કુટુંબોમાં અવારનવાર માલ લઈને તેડાવતી, ત્યારે રતુભાઈ માલનું વેચાણ કરવામાં પોતાની વાક્છટાનું અદ્‍ભૂત આકર્ષણ ઊભું કરતો, અને પાંચસોનું લેવા ઈચ્છનારને બે હજાર ખરચાવતો. પણ આ વખતે એની જીભ કોઈ અકળ કારણસર સિવાઈ ગઈ હતી. શિવની સ્ત્રીએ વારંવાર ટકોર કરી કે, "માલ વેચવાની કળા કેમ આ વખતે પીમના ભૂલીને આવ્યા છો?"

"ઘરનાં માણસ પાસે કળા શી વાપરવી?" એવો જવાબ વાળનાર રતુભાઈ અસત્ય વદ્યો હતો. એની કળા મનમાં થનગનતી હતી, પણ એનું મન શારદુના રહસ્યનું વાચન કરવામાં પરોવાઈ ગયું હતું. આવી દેહભરપૂર સ્ત્રી ગમગીનીમાં કેમ બેઠી હતી ! આ ચહેરો તો અફસોસના ઘરડિયા બતાવતો નથી. જેને નિર્મળ કહીએ તેવું આ લાવણ્ય છે. આંહીં ઉદાસીના ઘુવડનો માળો હોઈ જ કેમ શકે ? આંહીં કોઈકની કંઈક ભૂલ થઈ ભાસે છે.

પોતે ને શિવ બહાર ગયા ત્યારે શિવે આપોઆપ બહેનનો ઇતિહાસ કહ્યો.

"તેર વર્ષે પરણાવેલી. સોળ વર્ષની થઈ ત્યારથી પતિ જામનગરની એક ધનવાન વિધવાની સાથે ચાલ્યો ગયો છે. આજે દસ વર્ષ પૂરાં થયાં. એક પણ કાગળ લખ્યો નથી. ખરચી કદી મોકલી નથી. બેઉ ક્યાંક દરિયાપાર ચાલ્યાં ગયાં છે. શારદુને એના સસરાએ થોડું ભણાવી શિક્ષિકા કરી. તે પછી સસરો પણ મરી ગયો ને ઘરમાં કાંઈ હતું નહીં. ઘર પણ સગાંવહાલાંએ લઈ લીધું. પોતે નોકરી કરતી, પણ આ શરીર આવું ને આવું રહ્યું એટલે કોઈ ઠેકાણે નિંદાયા વગર જીવી ન શકી.