પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ભાગ્ય જ એવું કે દુ:ખ એના દેહને ભાંગી ન શક્યું. સ્વભાવ જ એવો કે વિપત્તિના ઝાઝા લિસોટા ન પડવા આપે. લોકોને ચિંતા એ જ વાતની થઈ પડી કે આટલી દુ:ખી હોવા છતાં આવી માતેલી રહી જ કેમ શકે છે! એ જ ફિકર એના ઉપરી અધિકારીઓને થઈ પડી. ઘેર બેઠી. ઘણાં વ્રતોપવાસ કર્યાં, ભૂખ્યાં રહેવામાં બાકી ન રાખી, પણ પાણી પીએ તેયે લોહી બની જાય ! લોકો અપકીર્તિ કરે તેનો તો કોઈ ઘા જ ફૂટે. અમે પોતે પણ એના દેહની આ હઠીલાઈથી એવા ત્રાહિ પોકારી ગયા કે પછી તો કુશંકાઓ જ કરવા લાગ્યા. મા પણ તેડાવે નહીં. મહિને બે-ત્રણ રૂપિયામાં જીવી કાઢતી; તેટલું હું અહીંથી મોકલતો. પણ મેં અહીં પરણી કાઢ્યું છે એવા ઊડતા સમાચારથી મા એને લઈ અહીં આવવા નીકળતી હતી. એ તો આને ઘેર જ મરી ગઈ, ને આ એકલી અહીં પહોંચી."

"નણંદ-ભોજાઈ બેઉને ફાવી ગયું લાગે છે."

"અરે વાત પૂછો મા. પરસ્પર પાગલ બન્યાં છે. પોતાના જીવનની તલેતલ વાત એણે એની ભાભીને કહી નાખી છે, ને ભોજાઈને હવે એક ઉધામો ઉપડ્યો છે."

"શું વળી?"

"શારદુને ફરી પરણાવવાનો."

સાંભળતાં જ રતુભાઈને કલેજે એક શેરડો પડ્યો - ટાઢો કે ઊનો તે તો પોતે પણ નક્કી ન કરી શક્યો. શિવાએ વાત પૂરી કરી -

"એ તો મારી સાથે પણ ટંટો કરીને પણ મને રંગૂનના બંગાળી વકીલ પાસે લઈ ગઈ, આપણા હિંદી કાયદાના પોથાંથોથાં ઉથલાવરાવ્યાં, ને આ લગ્ન થઈ શકે કેમ તે નક્કી કરાવ્યું. વધુ ખાતરી માટે કલકત્તાના નામાંકિત વકીલની સલાહ પણ આ બર્મી વકીલ દ્વારા મંગાવરાવી. લગ્ન થઈ શકે તેમ છે, કારણકે પતિએ ત્યાગ કર્યા પછી સતત સાત વરસ ઉપરની મુદ્દત વીતી ગઈ છે. હવે હઠ લીધી છે કે કોઈક હિંદી ઉમેદવાર શોધી કાઢો."

રતુભાઈ કાંઈ બોલી ન શક્યો. શિવે એને ચમકાવતો વધુ પ્રશ્ન