પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
22
કાળ-વાણી

રંગૂન શહેરમાં રાત રહીને રતુભાઈ જાગ્યો તે દિવસ જનસમૂહ હાલકલોલ હતો. નવીન આકાંક્ષાઓ ઇરાવદીના અંતરમાં નાચતી હતી. બર્માનો વડો પ્રધાન ઊ-સો ઇંગ્લન્ડ જવા ઉપડતો હતો. અંગ્રેજ સરકારે એને માનભર્યું આમંત્રણ આપ્યું હતું. એ ત્યાં પહોંચે તેટલી જ રાહ હતી. બ્રહ્મી જનોનાં નેત્રમાં સંપૂર્ણ સ્વરાજ્યનાં સ્વપ્નાં ચમકતાં હતાં. ચર્ચિલને રીઝવવા ઊ-સોએ ખાસ બ્રહ્મી બનાવટની ખુશબોદાર ચિરૂટોનો દાબડો સાથે લીધો હતો. સ્વરાજનું વરદાન લેવા જનાર આ પ્રતિનિધિની વિદાયમાં 'ઊ-સો પ્યાં ત્વાં!' (ઊ-સો પાછો જા!) એવા વિરોધી પક્ષના પોકાર પણ ઊઠ્યા અને બીજે પક્ષે તિન્જામ-પ્યે પણ ખેલાયા. ઊ-સોનું વિમાન ઈંગ્લન્ડ ભણી પાંખો ગજાવતું ગરૂડગતિએ ઊડવા લાગ્યું અને રતુભાઈ, પોતાના હૃદયમાં શારદના સ્મરણનો નવો બોજો ભરીને, પાછો પીમના આવ્યો.

પીમનામાં રોજ પ્રભાતે પહેલું કામ રતુભાઈને માટે નીમ્યાને ઘેર જઈ એના બાળકને રમાડવાનું રહેતુ. બે દિવસથી એ કાંઉલે 'અકો'ની રાહ જોતો હતો. અકો ક્યાં ગયા છે? અકો ગયા છે યાંગઉ. અકો તારા સારુ ફુંગી-પોશાક લેતા આવશે. તારે ભિક્ષા માગવાનાં પાતરાં લેતા આવશે. મારો કાંઉલે મોટા ઠાઠમાઠ સાથે ફુંગી બનશે. ફુંગીઓ એને ચાંઉમાં તેડી જશે. ચાંઉમાં હું ને અકો તને મૂકવા આવશું. ત્યાં તારા કાન પણ વીધશું. પછી તને ચાંઉમાં છોડીને પાછાં ચાલ્યાં આવશું. વળતે દિવસે પ્રભાતે ફુંગીઓ ભિક્ષા લેવા નીકળશે. આગળ એક મોટા ફુંગી, તેની પાછળ તેથી નાના, તેની પાછળ તેથી પણ નાના, એમ એકની પાછળ બીજા, નાના ને નાના, ચૌદ વરસના, બાર વર્સના, નવ વર્સના, છ વરસના, ને પછી છેલ્લો મારો ચાર વરસનો બાળો ફુંગી: પ્રત્યેકના હાથમાં અક્કેક પાતરું (ભિક્ષાપાત્ર): મારા બાળુડા જોગીના