પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથમાં પણ બટુકડું પાતરું. પીળાં પીળાં વસ્ત્રોની હાર, મોટા પગ ને નાના પગની હાર, લાંબી લાંબી કતાર આવશે; માર્ગ ઉપર ઘેરઘેરથી સ્ત્રીઓ બોલાવશે. વીનવશે કે ફ્યા ! વહોરવા થોભો, રંક નારીના ચાવલ વહોરો! હુંયે ઊભી હઈશ આપણી શેરીને નાકે. લળીને પોકારીશ કે "ચ્વાબા ફ્યા." મા મા કરતો તું મને બાઝી ન પડતો હો, કાંઉલે! ઘેલો બનીને મારી એંજી ન પકડી લેતો. આઠ દિવસ તો ફુંગી રહેજે, જોગી રહેજે. ગોઢમા ફ્યા (ગૌતમ પ્રભુ)નો રાહુલ પણ તારા જેવડો જ હતો. તારા સરીખો જ ફૂટડો હતો. તારા જેવી જ એને મા યશોધરા વહાલી હતી. માએ એને લઈ ગોઢમાને વહોરવી દીધો'તો, તોયે કંઈ માને ઝાલી હતી એણે ?

આઠ દા'ડાના એ તો અણમોલ બાળાજોગ સૌને સર્જાયા છે, બાપુ! ભિક્ષાનું પાત્ર ધરજે ને હું તને ચાવલ વહોરાવીશ. જગત તને જોવા મળશે. આવડો બાળ ફુંગી જગતે કદી જોયો નહીં હોય. ભવના તારા ભાર ઊતરશે. તારા પિતાનાં પાપ પ્રજળશે. આઠ દહાડે પાછો વળજે.

ચાંઉમાં રહેતાં બીશ નહીં ને ? રાતમાં બાને શોધીશ નહીં ને? ફુંગીઓ તને મારશે નહીં હો ! કરડી આંખો કરશે નહીં. કોઈ કટાણું વેણ કહે તો ગોઢમા બૌદ્ધની મૂર્તિ પાસે જઈને કહેજે, ફ્યા તારી ફરિયાદ સાંભળશે.

- ને જો હો ! એક વાત્ કહું છું તે કોઈને કહીશ નહીં હોં! ગોઢમા ફ્યાને છાનોમુનો પૂછી જોજે કે બાપુ ક્યાં હશે? મામા ક્યાં અલોપ થઈ ગયા? અને બાપુના ફરી મેળાપ થવાના છે કે નહીં?

રાતે નીમ્યાએ 'અકો'ની વાટ જોતા બાળકને ઊંઘાડતાં પહેલાં એની દીક્ષાનાં આવાં દિવાસ્વપ્ન ગૂંથવાં ચાલુ રાખ્યાં હતાં. પ્રત્યેક બ્રહ્મી બાળકને માટે જીવનનો જે મહોત્સવ મનાતો, તે આઠ-પંદર દહાડાની બાળ-દીક્ષા. એ માટે માતાનું આ રટણ હતું. (છેક પ્રભુ બુદ્ધથી ચાલેલી આ પ્રથા હતી. યશોધરા પાસે બિક્ષાપાત્ર લઈ ઊભનારા ભગવાનને