પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માએ ખુદ દીકરો જ અર્પણ કર્યો હતો. પણ ભગવાનની ઇચ્છા રાહુલ સંસારી રહે તેવી હતી. એટલે એણે થોડા દિવસનો બાળ-ભેખ રખાવી પછી રાહુલને પાછો વાળ્યો હતો.) એ દીક્ષા અને કાન વીંધવાની ક્રિયા, બેઉ બ્રહ્મદેશમાં સાથે જ થતાં. મરણોત્સવથીયે ચડી જાય તેવી આ બાળ-દીક્ષાને સારુ પોતાનો પુત્ર ઝટઝટ મોટો થઈ જાય તેવા સોણલાં નીમ્યા સેવતી હતી. રોજ ઊઠીને પાકી ખાતરી કરતી હતી કે બાળક વધ્યો છે કે નહીં? વર્ષો ભલે ઓછાં રહ્યાં, જરીક કાઠું કરી જાય, જરીક બોલતોચાલતો ને પોતાના વસ્ત્રો પહેરતો થઈ જાય તો પછી દીક્ષા ઊજવવી હતી.

પતિ ચાલ્યો ગયે તો લાંબો ગાળો વીતી ગયો હતો. અધરાતે 'નીમ્યા...એ!' ના આગલા ઉચ્ચારની એ કાંઈ હવે ખોટી રાહ જોતી નહીં. એવા ખાલી ભણકારા પોતાને વાગતા નહીં. ને લોકો પણ નીમ્યાના લુપ્ત થયેલા દાંપત્ય-સંસારની લપમાં કદી ઊતરતા નહીં. પોલીસે પણ હવે તો નીમ્યાના ઘર ફરતી મોડી રાતની છૂપી ચોકી નિષ્ફળ ગણી છોડી દીધી હતી. પડેલા પથ્થરની સામે બુદબુદોના થોડા બુમારણ કર્યા બાદ પાછાં સમથળ બનીને વહેવા લાગતાં પાણી જેવો જીવનનો પ્રવાહ પણ બની ગયો હતો. જૂનું રંગાલય ખાલી થયું હતું. આગલા નટોએ વિદાય લીધી હતી. નવા અભિનેતાને નવા પાઠ ભણાવતી મા સજાવી રહી હતી. જિંદગી એક સાચી રંગભૂમિ હતી.

કાગાનીંદરમાં ઢળેલી નીમ્યાને એકાએક લાગ્યું કે કોઈક નીચેથી સાદ કરે છે: "મા-નીમ્યા એ...!"

આ જૂનો બોલ નથી, 'નીમ્યા...એ' નથી. આ તો સ્પષ્ટ સંભળાય છે. 'મા-નીમ્યા એ...!'

ભણકારા હશે. અત્યારે કોણ આવે?

ધીરા ધીરા બોલ ફરી વાર સંભળાયા: "મા-નીમ્યા એ...!"

બીતાં બીતાં એણે બહાર આવી નીચે નજર કરી. અંધકારમાં કોઈક ઊભું હતું.