પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કોણ એ?"

"મા-નીમ્યા! જલદી ખોલ."

"કોનો અવાજ? વર્ષોથી અપરિચિત આ સ્વર કોનો સુણાય છે?

અંદર જઈ, અભરાઈ પરથી લાંબી લાંબી એક ચીજ લઈ, એક હાથે એ ચીજને ટટ્ટાર ઝાલી નીમ્યા નીચે ઊતરી.

એ ચીજ હતી - ધા.

બીજે હાથે બર ઉઘાડ્યું : " કોણ એ?"

"હું માંઉં."

"અકો!" નીમ્યાએ ભાઈને ઓળખ્યો. અંદર લીધો. શરીર પર ફુંગીવેશ નહોતો. એથી ઊલટો સરકારી યુનિફૉર્મ સજેલો.

"અકો!" નીમ્યાનો કંઠ ભરાઈ આવ્યો.

"આટલું જ કહેવા આવ્યો છું, નીમ્યા: માંઊ-પૂ સલામત છે, પણ તારા હાથમાં એ જે દિવસે આવશે તે દિવસ એ આખો નહીં હોય, એના ટુકડા જ હશે એમ લાગે છે, નીમ્યા! અહીંથી દૂર દૂર ચાલી જજે. મ્યો(હશેર)માં રહીશ નહિ, ટો-માં (જંગલનાં ગામડાંમાં) ચાલી જજે. ઉચાળા ભરી કરીને ભાગી જજે."

"શા માટે, અકો?"

"નીમ્યા વધુ પૂછતી નહીં, આંહીં ચાલ્યો આવે છે - મહાસંહાર."

"અકો ! આ તું શું કહે છે?"

"અફર ભાવિના બોલ ભાખું છું, નીમ્યા ! પ્રલય ચાલ્યો આવે છે. અગ્નિના મેઘ તૂટી પડશે. આકાશ કોપશે, તઘુલા ત્રાટકશે - પણ પાણીનાં નહીં, અગ્નિગોળાના. ભૂગર્ભ ફાટશે. પૃથ્વી ને ગગન બંને કાવતરું કરશે. માબાપ બાળકોને ભક્ષી જશે. આગની રોશની સો સો ગાઉ ફરતી દેખાશે."

"કોણ- કોણ? અકો ! કોણ આવશે ? કોણ સળગાવશે?"

"અમે, અમે જ પોતે. મહાસંહારની જબાન બનીને હું આવ્યો છું. નીમ્યા ! ઉગાર શોધજે - તારો ને તારાનો. કોઈને કહેતી નહીં કે હું