પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યો હતો. કહ્યા ભેળી જ તું હતી-ન હતી બનશે ને તારા કાંઉલેને પૃથ્વી ગળી જશે. ફ્યાના બોલ છે. રખે ઉથાપતી. જાઉં છું નીમ્યા! અખ્વીં પ્યુબા! રજા આપ!"

તે પછી પરોઢ પૂર્વે એક વાદળી રંગનું વિમાન - વિના અવાજે દૂરના એક ખેતરમાંથી ઊડ્યું અને સિયામના પાટનગર બૅન્ગકોકની દિશામાં ચાલ્યું ગયું. એનો જે પાઈલટ હતો, તે બીજો કોઈ નહીં, પણ નીમ્યાનો 'અકો' માંઉ પોતે હતો, અને અંદર બેઠો હતો તે માંઉ-પૂ હતો. સાળો-બનેવી જાપાનના શાગિર્દો બની વિમાન સેવામાં પ્રવેશ્યા હતા.

મહાસંહારની આગાહીએ નીમ્યાની નીંદરને ચટકા ભર્યા જ કર્યા. ક્યારે મહાસંહાર? કોના તરફથી? શાને માટે? પોતે કોનું બગાડ્યું હતું? બ્રહ્મદેશીઓએ કોનો દોષ કર્યો હતો? ઇરાવદીએ કોને ધાન આપવાની ના પાડી હતી? આંહી કોણ કોને કાઢી મૂકતું હતું કે ખાઈ જતું હતું?

નીમ્યાને વિશ્વ-ભરખતા જર્મન જંગની જાણ હતી, પણ ઝાંખી ઝાંખી. એ યુદ્ધને ને બ્રહ્મદેશને કશી નિસ્બત નહોતી, આંહી તો બધાં ધમધોકાર કમાતાં હતાં. યંત્રો ચલાવતાં હતાં. સોનાંરૂપાં પહેરતાં હતાં. આંહીં હજુ તીન્જામ પ્વે અટક્યા નહોતા. તઘુલાની રોળારોળ કોઈએ બંધ કરાવી નહોતી. કાર્તિકી પૂર્ણિમાના તધીન્જો-દીવા કોઈએ ઓલવ્યા નહોતા. આંહીં શામાટે સંહાર ચાલે?

ચીન ને જાપાન લડતાં હતાં, પણ તે તો દૂર દૂર. આંહીં તો ચીનાઓ દુરિયાન વેચી રહ્યા છે, અપાંઉ-શૉપ ચલાવી રહેલ છે, બર્મીઓને પરણી રહેલ છે, ચાવલના ધાનના સોદા કરતા બેઠા છે. આંહીં તો જાપાનીઓ પણ દુકાનો ચલવે છે, અને ફોટૉગ્રાફી કરી પેટગુજારો મેળવે છે.

આંહીં ચીનાઓ ક્યાં એકબીજાનાં માથા કાપે છે?

અને હવે તો ઊ-સો સ્વરાજના સહીસિક્કા કરવા સારુ જ લંડન ગયેલ છે. આંહીં શા સારુ આગનાં વર્ષણ થાય?

ડૉ. નૌતમના બાબલાને તો કોઈ સપાટો નહીં લાગી જાય ને? જલદી પ્રભાત પડે, તો હું જઈને બાબલાનાં માબાપને ચેતવું.