પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રભાતે રતુભાઈ આવ્યો. તેની સાથે પોતે સદાના જેવી હસતી રહેવા યત્ન કર્યો. એના ગળા સુધી રાતની કાળ-વાણી ભરી હતી. પણ અકો બિવરાવી ગયો હતો. એ કોઈ ફુંગીની જ ભવિષ્યવાણી લાવ્યો હશે. કોઈને કહું ને તત્ક્ષણે જ આસમાનનાં અગ્નિજળ તૂટી પડે તો ! કહેવાયું નહીં. હાય ક્યાંક કહેવાઈ જશે, તો ધ્વંસ ત્રાટકી પડશે !

રતુભાઈની સોનારૂપાની દુકાનના માલથાલ વેપાર વિશેનો અહેવાલ આપીને નીમ્યા રતુભાઈ સામે એવી નજરે જોતી હતી કે જાણે એને કાંઈક જરૂરી વાત કહેવી હતી. રતુભાઈ પણ એ રાહ જોઈને થોભી ગયો. છેવટે નીમ્યાએ વાત કાઢી:

"અકો ! તમારા દેશમાં જવાનું તમને કદી મન જ કેમ નથી થતું?"

"આ પણ ક્યાં પરદેશ છે? આહીં તમે સૌ છો ને!"

"પણ દેશ જઈને હવે પરણો કરો ને!"

"કેમ, અમા! બીક લાગી કે વળી આંહીંના જુવાનોના ભાગમાંથી. હું પણ એક બરમણને ઓછી કરીશ!"

"હા, એ તો ખરું જ; અહીં કોઈને ન પરણશો, અકો, આખરે તો પોતાના દેશ જેવું કંઈયે સારું નહીં."

"પણ દેશમા મારે કોઈ નથી - અકો, અમા, અમે (મા), અફે(બાપા), મેમા (સ્ત્રી), કોઈ કરતં કોઈ નથી. મારે તો સાચો સ્વદેશ આંહીં છે."

"તો આપણે એક કરીએ, આંહીંથી ક્યાંઈક ગામડામાં રહેવા ચાલ્યાં જઈએ; હું, તમે, ડૉક્ટરનું કુટુંબ, મારી મા એટલાં જઈએ."

"ગામડાંમાં જઈને ખાઈએ શું? ધંધો ન ચાલે, પણ મા-નીમ્યા! તું કદી નહીં ને આજે આટલી વિહ્‌વળ કેમ દેખાય છે?"

"બીજું કાંઈ નહીં, મને ગામડામાં રહેવા જવાનું દિલ થાય છે. કાંઉલેને અહીં સારું રહેતું નથી."

"તો જશું આપણે, તધીન્જો (દિવાળી) કરીને જઈએ, તે દરમ્યાન આપણે ઉઘરાણી-પાઘરાણી પણ પતાવી લઈએ. સોનારૂપાંને ઠેકાણાસર