પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ખોટું શું છે?" ડૉ. નૌતમ બોલ્યા : "દરેક 'નૉર્મલ' માણસનું તો એમ જ માનવું ઘટે."

"નૉર્મલ એટલે?" રતુભાઈએ પૂછ્યું.

"શરીરથી સામાન્ય રીતે સશક્ત અને મર્દાઈવાળો, વૃત્તિથી અમિતભોગી, મનથી પ્રફુલ્લિત અને મગજથી વિચારશીલ."

"તે ઉપરાંત શું કોઈ એવો સંજોગ નથી કે જે માણસને 'નૉર્મલ' હોવા છતાં પરણવાને નાલાયક ઠરાવે ?"

"શો સંજોગ?"

"કોઈ પ્રબળ આઘાત લાગ્યો હોય, કોઈ ભયાનક સામાજિક અત્યાચાર એની આડે ઊભો થયો હોય."

"એટલે શું તમે હિંદની પરાધીનતાની વાત કરો છો? ગાંધીજી લડત સળગાવવાના છે તેની કાંઈ નડતર આવે છે?"

"ના રે ભાઈ, ના, એવી મોટી બાબતો તો કોઈને પરણતાં કે મરતાં રોકતી નથી. લડતોની વચ્ચેય લગ્ન, અને કારાવસની અંદર પણ પ્રસૂતિ થઈ શકે છે."

"તો શું ગુલામ દેશમાં ગુલામ સંતાનોની વૃદ્ધિ કરવાથી ડરો છો?"

"એમ પણ નહીં, એમાં તો હું ઊલટાનો માનું છું. જેમ ગુલામો ઉમેરાય છે તેમ લડવૈયા પણ વધે છે ના!"

"તો પછી એવી શી 'ઍબ્નૉર્મલ સિચ્યુએશન' (અસાધારણ સ્થિતિ) તમને નડી છે?"

"લ્યો નૌતમભાઈ, આ વાંચો." એમ કહીને રતુભાઈએ પોતાના ગજવામાંથી ટપાલમાં આવેલો એક લાંબો કાગળ આપ્યો.

વાંચતા ગયા તેમ ડૉક્ટરનાં ભવાં ચડઊતર કરતાં ગયાં. થોડી વાર મોં લાલ થયું. થોડી વાર આંખો મિંચાઈ ગઈ. એકધારી મુખછટા ન રહી શકી.

"આને વંચાવું?" એણે વાંચીને પછી રતુભાઈને પૂછ્યું.