પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાંઉલે એના હાથમાંથી છૂટી ગયો તેની એને સરત ન રહી.

સેંકડો લોકો તેની આસપાસ ચાલતાં હતાં. તેઓ પ્રશાંત હતાં. કોઈ કોલાહલ કરતું નહોતું. સેંકડો પગની ફનાઓ જ ફક્ત ટપાક ટપાક તાલ આપતી હતી. સૌ એનું મૂંગું નૃત્ય નિહાળતાં નદીકિનારે ચાલ્યાં. એને મન આ જાણે કે છેલ્લો તધીન્જો હતો. ફરી આવો વર્ષોત્સવ આવે કે ન આવે. ફરી નવાં ધાન પાકે કે ન પાકે. શારદાલક્ષ્મી ફરી વરદાન દ્યે કે ન દ્યે. કમોદના ક્યારા કોણ જાણે ફરી ક્યારે ઝૂલશે. માટે કરી લ્યો નૃત્ય! નવલાં ધાન્યનું નૃત્ય. નવલાં નીરનું નૃત્ય. શેષ વેળાની શરદનું નૃત્ય.

નીતરેલી શરદનાં વાદળાંએ ગગનને કાંઠે જાણે કે ચાવલના પુંજેપુંજ ખડક્યા હતા.

નદીતીરે એ થંભી. એણે પોતાનું ફાનસ નીરમાં તરતું મૂક્યું. ને એ ઊઠી ત્યારે હૈયે ધ્રાસકો પડ્યો. બાજુએ જોયું. કાંઉલે ક્યાં?

"આ તારો કાંઉલે, અમા!" એમ કહેતા લોકવૃંદના એક પુરુષે કાંઉલે માતાના કરમાં આપ્યો. કંઉલેને લ્ ઈને એ બરમો ચુપચાપ પાછળ પાછળ દીપદર્શને ચાલ્યો આવતો હતો.

બેભાન નીમ્યા શરમિંદી બની અને ફાળ ખાઈ ચમકી ઊઠી: "અરરર! કોઈ ફુંગી મારા ઢંગ દેખી ગયા હોત તો!"

એ જ સમયે પૂર્ણિમાની ચાંદનીમાં માંડલે તરફની એ ઉત્તર દિશા, કોઈએ જાણે આગ મૂકી હોય તેમ સળગી ઉઠી. ભડકા ! ભડકા ! ભડકા !

ભાઈની ભવિષ્યવાણીએ પહેલો પરચો બતાવ્યો. પ્રભાતે સાંભળ્યું કે બર્મા-રોડ પર જાપાનનાં વિમાનોએ અઢળક આગગોળા વરસાવ્યા છે. ચીનને જાપાન સામે જીતવા-ઝઝૂમવા માટેનો શસ્ત્રસરંજામ પહોંચતો કરનાર એ એક માત્ર વ્યવહાર-કેડાને જાપાન છૂંદવા લાગ્યું હતું. બર્માનો એક ગુનો થયો હતો કે ચીનને અને હિંદને સંયોજતી એ પુરાતન સડક બર્માની ભૂમિ પરથી પસાર થતી હતી. બ્રિટને એ સડકને રક્ષણ આપ્યું નહોતું. કારણ કે જાપાન હજુયે બ્રિટનનું મિત્ર હતું. કારણ કે બ્રિટન