પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અઢળક ઢગલા વચ્ચે આ પ્રકારનો હતો. એમને હંમેશાં રોટલાનું કામ હતું. ટપટપનું નહિ.

એમની વાત સાચી હતી: અહીં અનેક પેઢીઓ ઉઘાડીને જાપાનીઓ બેઠા હતા. એ પેઢીઓમાં કયા માલનો વેપાર ચાલે છે તેની બહુ થોડાને ગમ પડતી. જાપાનીઓ બાઘા જેવા, બેવકૂફ અને પોતાના દેશની અંદરખાનેની દયાજનક દશાનો વારંવાર વિલાપ કરતા લાગતા, અને બરમાઓ સગા ભાઈઓ હોય તેવા સ્નેહની સરવાણી રેલવતે નેત્રે નિહાળી નિહાળી નમન કરતા.

તેમની નજર અમેરિકા પર મંડાઈ હતી. જાપાની પ્રતિનિધિ વૉશિંગ્ટન જઈને વ્હાઈટ હાઉસના પગથિયાં ઘસી રહ્યો હતો. પ્રમુખ રૂઝવેલ્ટનાં એ કેવાં ચરણો ચૂમતો હતો અને રૂઝવેલ્ટ - ચર્ચિલ એને કેવા દબડાવતા હતા તેનાં વર્ણનોવાળાં રોજના છાપાં વંચાતાં. એ વાંચી વાંચીને પસાર થતી બર્માની પચરંગી દુનિયા આ બાઘા જેવા બેઠેલા જાપાનીઓનાં મોં સામે તાકતી. જાપાનીઓ વળી ઓર વધુ દિગ્મૂઢતાનો દેખાવ ધારણ કરતા.

નીમ્યાને અને કાંઉલેને માટે રતુભાઈએ પાંચેક ગાઉ દૂરના ગામડામાં નાનું ઘર રાખ્યું હતું અને ત્યાં પોતે મોટરમાં જતો આવતો. હવે રતુભાઈ મોટરવાળો બન્યો હતો. બર્મી કુટુંબોમાં જોઈતાં સુવર્ણાભરણો અને રત્નાભરણો સાથે રતુભાઈની શાખ જડાઈ ગઈ હતી. છેક શાન સ્ટેટના રાયજાદાઓનાં ઘરમાં પણ રતુભાઈના નામનો સિક્કો પડતો. માલ લઈ જઈને એમને આંગણે ઊભા રહેનાર આ યુવાન વેપારીને માટે અંતઃપુરનાં દ્વારો ઊઘડતાં જરીકે વાર લાગતી નહીં. એની પૂર્વે ગયેલા અનેક યુવાન બાબુઓ ડરનું કારણ બન્યા હતા. એ ભયને રતુભાઈના મોંના 'અમા' (બહેન) બોલે ભૂંંસી નાખ્યો હતો.

આ મોટર, આ રત્નો, શાન સ્ટેટના રાજદરબારી અંતઃપુરોની આદરભરી અમાઓ, અને નીમ્યા-કાંઉલેની સંભાળ, બધાં વચ્ચે દેશવાસી ભત્રીજી તારા તરવરતી હતી. તારાને બચાવવા પોતે જવું જ જોઈએ.